પ્રથમ અઠવાડિયામાં
19 અઠવાડિયાના પહેલા દિવસે તે સાંજે બધા શિષ્યો ભેગા થયા હતા. બારણાંઓને તાળા હતાં, કારણ કે, તેઓ યહૂદિઓથી ડરતાં હતા. પછી ઈસુ તેઓની વચ્ચે આવ્યો અને ઊભો રહ્યો ઈસુએ કહ્યું, “તમને શાંતિ થાઓ!” 20 આમ કહ્યાં પછી ઈસુએ શિષ્યોને તેના હાથ અને તેની કૂખ બતાવી. જ્યારે તેઓએ પ્રભુને જોયો ત્યારે ખૂબ ખુશ થયા.
21 પછી ઈસુએ ફરીથી કહ્યું, “તમને શાંતિ થાઓ!” પિતાએ મને મોકલ્યો છે. તે જ રીતે હવે, હું તમને મોકલું છું. 22 આમ કહ્યાં પછી તેણે શિષ્યો પર શ્વાસ નાખ્યો. ઈસુએ કહ્યું, “પવિત્ર આત્મા પામો. 23 જો તમે લોકોના પાપોને માફ કરશો, તો પછી તેઓનાં પાપોની માફી મળશે. જો તમે લોકોનાં પાપોને માફ નહિ કરો તો, પછી તેઓનાં પાપ માફ થશે નહિ.”
થોમાને ઈસુના દર્શન
24 થોમા (દીદુમસ કહેવાતો) જ્યારે ઈસુ આવ્યો ત્યારે બીજાઓની સાથે તે નહોતો. થોમા તે બારમાંનો એક હતો. 25 બીજા શિષ્યોએ થોમાને કહ્યું, “અમે પ્રભુને જોયો છે.” થોમાએ ઉત્તર આપ્યો, “જ્યા સુધી હું તેના હાથમાં ખીલાંના ઘા ના જોઉં ત્યાં સુધી હું વિશ્વાસ કરીશ નહિ. તેના હાથોના ઘા જોયા વિના તથા મારી આંગળી ખીલાઓના ઘામાં મૂક્યા વિના તથા તેની કૂખમાં મારો હાથ મૂક્યા વિના હું વિશ્વાસ કરીશ નહિ.”
26 એક અઠવાડિયા પછી ફરીથી શિષ્યો ઘરમાં હતા. થોમા તેઓની સાથે હતો. બારણાંઓને તાળાં હતાં. પરંતુ ઈસુ આવ્યો અને તેઓની વચ્ચે આવીને ઊભો. ઈસુએ કહ્યું, “તમને શાંતિ થાઓ!” 27 પછી ઈસુએ થોમાને કહ્યું, “તારી આંગળી અહીં મૂક. મારા હાથો તરફ જો. તારો હાથ અહીં મારી કૂખમાં મૂક. શંકા કરવાનું બંધ કરી વિશ્વાસ કરવાનું શરું કર.”
28 થોમાએ ઈસુને કહ્યું, “મારા પ્રભુ અને મારા દેવ!”
29 ઈસુએ થોમાને કહ્યું, “તેં વિશ્વાસ કર્યો કારણ કે તેં મને જોયો. જે લોકો મને જોયા વિના વિશ્વાસ કરે છે તેઓને ધન્ય છે.”
યોહાને આ પુસ્તક શા માટે લખ્યું
30 ઈસુએ બીજા ઘણા ચમત્કારો કર્યા જે તેના શિષ્યોએ જોયા. આ ચમત્કારો આ પુસ્તકમાં લખેલા નથી. 31 છતાં આ વાતો લખી છે તેથી તમે વિશ્વાસ કરો કે ઈસુ જ ખ્રિસ્ત છે, દેવનો દીકરો છે. પછી, વિશ્વાસ કરવાથી, તેના નામ દ્વારા તમે જીવન પ્રાપ્ત કરી શકશો.
જ્હોન 20: 19-31
પ્રથમ અઠવાડિયા પછી
પાછળથી, તેના શિષ્યોને ઈસુએ પોતાની જાતે દર્શન દીધા. આ તિબેરિયાસ (ગાલીલ) સરોવરની બાજુમાં હતું. તે આ રીતે બન્યું. 2 શિષ્યોમાંના કેટલાક ભેગા થયા હતા. તેઓમાં સિમોન પિતર, થોમા (જે દીદુમસ કહેવાતો હતો તે) ગાલીલના કાનાનો નથાનિયેલ, ઝબદીના બે દીકરાઓ, અને બીજા બે શિષ્યો હતા. 3 સિમોન પિતરે કહ્યું, “હું માછલા પકડવા બહાર જાઉં છું.”
બીજા શિષ્યોએ કહ્યું, “અમે તારી સાથે આવીશું.” પછી બધા જ શિષ્યો બહાર ગયા અને હોડીમાં બેઠા. તેઓએ તે રાત્રે માછલા પકડવા પ્રયત્ન કર્યો પણ કંઈ હાથ આવ્યું નહિ.
4 બીજી વહેલી પરોઢે ઈસુ સમુદ્રકાંઠે ઊભો હતો. પરંતુ શિષ્યોએ તેને ઓળખ્યો નહિ કે તે ઈસુ હતો. 5 પછી ઈસુએ શિષ્યોને કહ્યું, “મિત્રો તમે કોઈ માછલી પકડી છે?”
શિષ્યોએ કહ્યું, “ના.”
6 ઈસુએ કહ્યું, “તમારી હોડીની જમણી બાજુએ પાણીમાં તમારી જાળ નાખો. તમે ત્યાં થોડી માછલીઓ પકડી શકશો.” તેથી શિષ્યોએ આમ કર્યુ. તેઓએ એટલા બધા માછલાં પકડ્યાં કે તેઓ જાળને હોડીમાં પાછી ખેંચી શક્યા નહિ.
7 ઈસુ જેને પ્રેમ કરતો હતો તે શિષ્યોમાંના એક શિષ્યએ પિતરને કહ્યું, “તે માણસ પ્રભુ છે!” પિતરે તેને આમ કહેતો સાંભળ્યો, “તે માણસ પ્રભુ છે,” પિતરે તેનો ડગલો પહેર્યો. (કામ કરવા તેણે પોતાનાં કપડાં કાઢી નાખ્યાં હતાં.) પછી તે પાણીમાં કૂદી પડયો. 8 બીજા શિષ્યો હોડીમાં કિનારે ગયા. તેઓએ માછલા ભરેલી જાળ ખેંચી. તેઓ કિનારાથી 100 વારથી વધારે દૂર ન હતા. 9 જ્યારે શિષ્યો હોડીમાંથી નીચે ઉતરી કિનારા પર આવ્યા. તેઓએ ગરમ કોલસાનો અગ્નિ જોયો. ત્યાં આગ પર એક માછલી અને ત્યાં બાજુમાં રોટલી પણ હતી. 10 પછી ઈસુએ કહ્યું, “તમે માછલીઓ પકડી છે તેમાંથી થોડી લાવો.”
11 સિમોન પિતર હોડીમાં ગયો અને જાળને સમુદ્રકિનારે ખેંચી. તે મોટી માછલીઓથી ભરેલી હતી. ત્યાં 153 માછલીઓ હતી. માછલીઓ ઘણી ભારે હતી, પણ જાળ ફાટી નહિ. 12 ઈસુએ તેઓને કહ્યું, “આવો અને ખાઓ.” શિષ્યોમાંથી કોઈ પણ તેને પૂછી શક્યો નહિ, “તું કોણ છે?” તેઓએ જાણ્યું તે પ્રભુ હતો. 13 ઈસુ ભોજન તરફ ગયો. તેણે રોટલી લીધી અને તે તેઓને આપી. ઈસુએ પણ માછલી લીધી અને તે તેઓને આપી.
14 મૃત્યુ પામેલાઓમાંથી ઊઠયા પછી ઈસુએ પોતાના શિષ્યોને આમ ત્રીજી વાર દર્શન દીધા.
ઈસુ પિતર સાથે વાત કરે છે
15 જ્યારે તેઓએ ભોજન પૂરું કર્યુ, ઈસુએ સિમોન પિતરને કહ્યું, “સિમોન, યોહાનના દીકરા, શું તું મને આ બીજા પુરુંષો કરતાં વધારે હેત કરે છે?”
પિતરે ઉત્તર આપ્યો, “હા, પ્રભુ, તું જાણે છે કે હું તને હેત કરું છું.”
પછી ઈસુએ પિતરને કહ્યું, “મારા હલવાનો[a] ની સંભાળ રાખ.”
16 ફરીથી ઈસુએ પિતરને કહ્યું, “સિમોન, યોહાનના દીકરા, શું તું મને પ્રેમ કરે છે?”
પિતરે ઉત્તર આપ્યો, “હા, પ્રભુ, તું જાણે છે કે હું તને પ્રેમ કરું છું.”
પછી ઈસુએ પિતરને કહ્યું, “મારા ઘેટાંઓની સંભાળ રાખ.”
17 ઈસુએ ત્રીજી વાર કહ્યું, “સિમોન, યોહાનના દીકરા, શું તું મને પ્રેમ કરે છે?”
પિતર ઉદાસ હતો કારણ કે ઈસુએ તેને ત્રણ વખત પૂછયું, “શું તું મને પ્રેમ કરે છે?” પિતરે કહ્યું, “પ્રભુ તું બધું જાણે છે. તું જાણે છે કે હું તને પ્રેમ કરું છું!”
ઈસુએ પિતરને કહ્યું, “મારા ઘેંટાંની સંભાળ રાખ. 18 હું તને સત્ય કહું છું. જ્યારે તું યુવાન હતો. તું તારો પોતાનો પટ્ટો બાંધી અને તારી જ્યાં જવાની ઈચ્છા હતી ત્યાં ગયો. પણ જ્યારે તું વૃદ્ધ થશે ત્યારે તું તારા હાથ લાંબા કરીશ અને બીજો કોઈ પુરુંષ તને બાંધશે. તે વ્યક્તિ તારી ઈચ્છા જ્યાં નહિ જવાની હશે ત્યાં દોરી જશે.” 19 (ઈસુએ દેવનો મહિમા પ્રગટ કરવા, તે દર્શાવવા એમ કહ્યું.) પછી ઈસુએ પિતરને કહ્યું, “મારી પાછળ આવ!”
20 પિતર પાછો વળ્યો અને ઈસુ જે શિષ્યને પ્રેમ કરતો હતો, તેને પાછળ ચાલતો જોયો. (આ તે શિષ્ય હતો જેણે વાળુના સમયે તેની છાતી પર અઢેલીને પૂછયું હતું, “પ્રભુ તારી વિરૂદ્ધ કોણ થશે?”) 21 જ્યારે પિતરે આ શિષ્યને તેની પાછળ જોયો. તેણે ઈસુને પૂછયું, “પ્રભુ, તેના વિષે શું છે?”
22 ઈસુએ ઉત્તર આપ્યો, “ધારો કે હું પાછો આવું ત્યાં સુધી તે જીવતો રહે એવી મારી ઈચ્છા હોય, તેનું તારા માટે કોઈ મહત્વ હોવું જોઈએ નહિ. તું મારી પાછળ આવ!”
23 તેથી એ વાત ભાઈઓમાં અંદર અંદર પ્રસરી. તેઓ કહેતા હતા કે આ શિષ્ય જેને ઈસુ પ્રેમ કરતો હતો તે મૃત્યુ પામશે નહિ. પણ ઈસુએ કહ્યું ન હતું કે તે મૃત્યુ પામશે નહિ. તેણે ફક્ત કહ્યું, “ધારો કે મેં નક્કી કર્યુ હોય કે હું પાછો આવું ત્યાં સુધી તે જીવે એમાં તારે શું?”
24 તે શિષ્ય જે આ બાબત કહે છે, તે જેણે હમણાં આ બાબત લખી છે. અમે જાણીએ છીએ કે તે જે કહે છે તે સાચું છે.
25 ત્યાં બીજી ઘણી બાબતો છે જે ઈસુએ કરી છે. જો તે બાબતોના પ્રત્યેક કામો લખવામાં આવે તો હું ધારું છું કે એટલા બધાં પુસ્તકો થાય કે તેનો સમાવેશ આ જગતમાં થાય નહિ.
જ્હોન 21: 1-25
તેમની સ્વર્ગ તરફ પ્રસ્થાન
લૂક બીજુ પુસ્તક લખે છે
1 વહાલા થિયોફિલ,
મેં પ્રથમ પુસ્તક ઈસુએ જે કંઈ કર્યુ અને શીખવ્યું તે દરેક બાબતો વિષે લખ્યું છે. 2 મેં ઈસુના જીવનના આરંભથી તેને જે દિવસથી આકાશમાં લઈ લેવામાં આવ્યો ત્યાં સુધીના સમગ્ર જીવન વિષે લખ્યું છે. આ બનતાં પહેલાં, ઈસુએ પોતે પસંદ કરેલા પ્રેરિતો સાથે વાત કરી. પવિત્ર આત્માની સહાયથી ઈસુએ પ્રેરિતોને તેઓએ શું કરવું જોઈએ તે કહ્યું. 3 આ ઈસુના મૃત્યુ પછીની વાત હતી. પણ તેણે પ્રેરિતોને બતાવ્યું કે તે જીવંત છે. ઈસુએ ઘણાં સાર્મથ્યશાળી પરાક્રમો કરીને આ સાબિત કર્યુ. પ્રેરિતોને ઈસુના મૃત્યુમાંથી સજીવન થયા બાદ 40 દિવસ દરમ્યાન ઘણીવાર તેના દર્શન થયાં. ઈસુએ પ્રેરિતોને દેવના રાજ્ય વિષે કહ્યું. 4 એક વખત ઈસુ તેઓની સાથે જમતો હતો, ત્યારે ઈસુએ તેઓને યરૂશાલેમ છોડવાની ના પાડી હતી. ઈસુએ કહ્યું, “તમને બાપે જે વચન આપ્યું છે તે વિષે મેં તમને પહેલાં કહ્યું છે. આ વચન પ્રાપ્ત કરવા માટે અહીં યરૂશાલેમમાં રાહ જુઓ. 5 યોહાને પાણીથી બાપ્તિસ્મા કર્યુ, પણ થોડા દિવસો પછી તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો.”
ઈસુ આકાશમાં લઈ લેવામાં આવ્યો છે
6 બધા પ્રેરિતો ભેગા થયા. તેઓએ ઈસુને પૂછયું, “પ્રભુ, શું આ સમય તારા માટે યહૂદિઓને તેઓનું રાજ્ય ફરીથી સોંપવાનો છે?”
7 ઈસુએ તેઓને કહ્યું, “ફક્ત એક માત્ર બાપ જ સમયો અને તારીખો નક્કી કરવા માટે અધિકૃત છે. આ વસ્તુઓ તમે જાણી શકો નહિ. 8 પણ પવિત્ર આત્મા તમારી પાસે આવશે. પછી તમે સાર્મથ્ય પ્રાપ્ત કરશો. ત્યારે તમે મારા સાક્ષી થશો-તમે લોકોને મારા વિષે કહેશો. પહેલાં, તમે યરૂશાલેમમાં લોકોને કહેશો. પછી યહૂદિયામાં, સમરૂનમાં તથા વિશ્વના બધા જ લોકોને કહેશો.”
9 પ્રેરિતોને આ બાબતો કહ્યા પછી, ઈસુને આકાશમાં લઈ લેવામાં આવ્યો. પ્રેરિતોના દેખતાં જ ઈસુ વાદળમાં અદ્ધશ્ય થઈ ગયો, અને તેઓ તેને જોઈ શક્યા નહિ. 10 ઈસુ દૂર જઈ રહ્યો હતો અને પ્રેરિતો આકાશમાં જોઈ રહ્યા હતા. અચાનક, બે શ્વેત વસ્ત્રધારી માણસો તેઓની બાજુમાં આવીને ઊભા. 11 તે બે માણસોએ પ્રેરિતોને કહ્યું, “ઓ ગાલીલના માણસો, તમે અહીં આકાશ તરફ જોતાં શા માટે ઊભા છો? તમે જોયું કે ઈસુને તમારી પાસેથી આકાશમાં લઈ લેવામાં આવ્યો છે. જે રીતે તમે તેને જતાં જોયો તે જ રીતે તે પાછો આવશે.”
પ્રેરિતોનાં કૃત્યો 1: 1-11