Skip to content

bible passage

ઉત્પત્તિ અધ્યાય 11

 જળપ્રલય પછી આખી પૃથ્વી પર એક જ ભાષા બોલાતી હતી. બધા લોકો એક સરખા જ શબ્દ-સમૂહોનો ઉપયોગ કરતા હતા. લોકો પૂર્વમાંથી આગળ વધ્યા અને શિનઆરના મેદાનમાં આવી પહોચ્યા. અને ત્યાં જ ઠરીઠામ થયા. લોકોએ એક બીજાને કહ્યું, “ચાલો, આપણે ઈંટો બનાવીએ અને ભઠ્ઠામાં પકવીએ.” આમ, લોકો પોતાના ઘર બનાવવા માંટે પથ્થરોની જગ્યાએ ઇટોનો ઉપયોગ કરવા લાગ્યા. તથા છોની જગ્યાએ ડામર વાપરવા લાગ્યા.

પછી લોકોએ કહ્યું, “ચાલો, આપણે આપણા માંટે એક નગર બનાવીએ અને એક ગગનચુંબી ઇમાંરત ઊભી કરીએ. પછી આપણે લોકો નામના મેળવીશું. જો આપણે લોકો આમ કરીશું તો પૃથ્વી પર કદી વેરવિખેર થઈશું નહિ અને એક જ જગ્યાએ એક સાથે રહીશું.”

ગગનચુંબી ઇમાંરત અને નગર જોવા માંટે યહોવા નીચે ઊતરી આવ્યા. યહોવાએ લોકોને આ બધું બાંધતા જોયા. તેથી તેમણે કહ્યું, “આ બધા લોકો એક છે, અને તેઓની ભાષા પણ એક જ છે. હું જોઉ છું કે, તેમની યોજનાઓ મુજબ કરવા માંટે તેઓ ભેગા થયા છે. આ તો ફકત તેઓ શું કરી શકે છે તેની શરુઆત છે અને હવે તેઓ જે કંઈ કરવા માંગે છે તે કરતાં એમને કોઈ રોકી શકશે નહિ. એટલા માંટે, ચાલો આપણે નીચે જઈએ અને એમની ભાષાને ગૂંચવી નાખીએ, જેથી તેઓ એકબીજાની ભાષા સમજી ન શકે.”

આથી યહોવાએ તે લોકોને તે જગ્યાએથી આખી પૃથ્વી પર વિખેરી નાખ્યા, અને તે લોકોએ શહેર બાંધવાનું છોડી દીધું. તે એ જગ્યા હતી જયાં યહોવાએ આખી પૃથ્વીની ભાષાને ગૂંચવી નાખી હતી. આથી આ જગ્યાનું નામ બાબિલ પડયું. અને અહીંથી જ યહોવાએ એ લોકોને આખી પૃથ્વી પર વિખેરી નાખ્યા હતા.

ઉત્પત્તિ અધ્યાય 10

નૂહના પુત્રો શેમ, હામ અને યાફેથ હતા. જળપ્રલય પછી એ ત્રણે ઘણા પુત્રોના પિતા થયા. અહીં ત્રણેય ના પુત્રોની યાદી આપવામાં આવી છે.

યાફેથના વંશજો

યાફેથના પુત્રો હતા: ગોમેર, માંગોગ, માંદાય, યાવાન, તુબાલ, મેશેખ અને તીરાસ.

ગોમેરના પુત્રો હતા: આસ્કનાજ, રીફાથ અને તોગાર્માંહ.

યાવાનના પુત્રો હતા: એલિશા, તાશીર્શ, કિત્તીમ, અને દોદાનીમ.

ભૂમધ્ય-સમુદ્રની ચારે બાજુ અને તેના કાંઠા પ્રદેશમાં અને ટાપુઓમાં રહેનારા લોકો યાફેથના વંશજો જ હતા. પ્રત્યેક પુત્રને પોતાની ભૂમિ હતી. બધા પરિવારોનો વિકાસ થયો અને જુદા રાષ્ટ્રો બની ગયાં. પ્રત્યેક રાષ્ટને પોતાની ભાષા હતી.

હામના વંશજો

હામના પુત્રો હતા: કૂશ, મિસરાઈમ, પૂટ અને કનાન.

કૂશના પુત્રો હતા: સબા, હવીલાહ, સાબ્તાહ, રાઅમાંહ અને સાબ્તેકા.

રાઅમાંહના પુત્રો હતા: શબા અને દદાન.

કૂશને નિમ્રોદ નામે એક પુત્ર હતો. નિમ્રોદ પૃથ્વી પર પહેલો મહાન યોદ્વો હતો. તે યહોવાની કૃપાથી એક મોટો શિકારી પણ હતો. અને તેથી જ લોકો કહે છે, “દેવ તમને નિમ્રોદ જેવા મોટા શિકારી બનાવો.”

10 શિનઆરના દેશમાં આવેલા બાબિલ, એરેખ, આક્કાદ અને કાલ્નેહમાં નિમ્રોદના રાજયની શરૂઆત થઈ. 11 નિમ્રોદ આશ્શૂરમાં પણ ગયો. ત્યાં તેણે નિનવેહ, રેહોબોથ-ઈર, કાલાહ અને 12 રેસેન નગરો વસાવ્યાં. રેસેન એ નિનવેહ અને મહાનગરી કાલાહ વચ્ચે આવેલું છે.

13 મિસરાઇમાંથી લૂદીમ, અનામીમ, લહાબીમ, નાફતુહીમ, 14 પાથરૂસીમ, કાસ્લુહીમ અને કાફતોરીમ ઊતરી આવેલા છે અને કાફતોરીમમાંથી પલિસ્તીઓ ઊતરી આવેલા છે.

15 કનાનને બે પુત્ર થયા: સૌથી મોટો સિદોન અને બીજો હેથ, તેઓ એ નામે ઓળખાતી પ્રજાઓના પૂર્વજો હતા. 16 કનાનના બીજા વંશજો: યબૂસીઓ, અમોરીઓ, ગિર્ગાશીઓ, 17 હિવ્વીઓ, આરકીઓ, સીનીઓ, 18 આરવાદીઓ, સમાંરીઓ અને હમાંથીઓ.

પછી કનાનીઓની જુદીજુદી જાતિઓ ફેલાવા લાગી. 19 કનાનીઓની ભૂમિ ઉત્તરમાં સિદોનથી દક્ષિણમાં ગેરાર, પશ્ચિમમાં ગાઝાથી પૂર્વમાં સદોમ અને ગમોરાહ અને આદમાંહ અને સબોઇમથી લાશા સુધી વિસ્તરેલી હતી.

20 આ બધા હતા હામના વંશજો. આ બધા પરિવારોની પોતપોતાની ભાષાઓ અને પોતપોતાના પ્રદેશો હતા. તે બધા જુદા જુદા રાષ્ટ્રો થઈ ગયા.

શેમના વંશજો

21 યાફેથનો મોટો ભાઈ શેમ હતો. શેમનો એક વંશજ હેબેર હિબ્રૂ લોકોનો પિતા હતો.

22 શેમના પુત્રો હતા: એલામ, આશુર, આર્પાકશાદ, લૂદ અને અરામ.

23 અરામના પુત્રો હતા: ઉસ, હૂલ, ગેથેર અને માંશ.

24 આર્પાકશાદને ત્યાં શેલાહ જન્મ્યો

અને શેલાહને ત્યાં હેબેર.

25 હેબેરને બે પુત્રો હતા: એકનું નામ પેલેગ હતું, કારણ એના સમયમાં પૃથ્વીના લોકોમાં ભાગલા પડયા. એના ભાઈનું નામ યોકટાન હતું.

26 યોકટાનના દીકરાઓ: આલ્મોદાદ, શેલેફ, હસાર્માંવેથ, યેરાહ હતા. 27 હદોરામ, ઉઝાલ, દિકલાહ. 28 ઓબાલ, અબીમાંએલ, શબા, 29 ઓફીર, હવીલાહ, અને યોબાબ, એ નામે ઓળખાતી પ્રજાઓના પૂર્વજો હતા. 30 તેમનો પ્રદેશ મેશાથી પૂર્વના પહાડી પ્રદેશમાં આવેલા સફાર સુધી વિસ્તરેલો હતો.

31 આ થયા શેમના વંશજો, જેઓના પરિવાર ભાષા, પ્રદેશ અને રાષ્ટના એકમોમાં વ્યવસ્થિત હતા.

32 એમના રાષ્ટ્રો પ્રમાંણે, નૂહમાંથી ઊતરી આવેલા આ લોકો છે. વિનાશક જળપ્રલય પછી પૃથ્વીની બધી પ્રજાઓ નૂહના વંશજોમાંથી ઊતરી આવેલી છે.

ઈસુએ ત્યાં ઘણા લોકોને જોયા. તેથી તે ટેકરીના ઊચા ભાગ ઉપર જઈ બેસી ગયો, ત્યાં તેની પાસે તેના શિષ્યો આવ્યાં. ઈસુએ લોકોને ઉપદેશ આપતા આ પ્રમાણે કહ્યું:

“જેઓ જાણે છે કે તેઓને આધ્યાત્મિક બાબતોની જરૂરિયાતો છે તેઓને ધન્ય છે.
    કારણ કે આકાશનું રાજ્ય તેમના માટે છે.
જેઓ શોક કરી રહ્યા છે તેઓને ધન્ય છે.
    કારણ કે તેઓને દેવ દિલાસો આપશે.
જેઓ નમ્ર છે તેઓને પણ ધન્ય છે.
    કેમ કે તેઓ પૃથ્વીનું વતન[a] પામશે.
બીજી કોઈપણ બાબત કરતાં જે યોગ્ય છે તે કરવાની જેઓની વધુ ઈચ્છા છે,
    તેઓને ધન્ય છે. કેમ કે તેઓની ઈચ્છા દેવ પૂર્ણ કરશે અને તેમને સંતોષ આપશે.
જેઓ દયાળુ છે તેઓને ધન્ય છે.
    કેમ કે તેઓના પ્રત્યે દયા દર્શાવવામાં આવશે.
જેઓના વિચારો શુદ્ધ છે તેઓને પણ ધન્ય છે.
    કારણ કે તેઓને દેવના દર્શન થશે.
જેઓ શાંતિ માટે કાર્ય કરે છે તેઓને પણ ધન્ય છે.
    કારણ કે તેઓ દેવના દીકરાં કહેવાશે.
10 સત્કર્મો કરવાને લીધે જેઓના ઉપર જુલ્મ ગુજારવામાં આવેલો છે તેઓને ધન્ય છે.
    કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે.

11 “તમે મારા શિષ્યો છો માટે લોકો તમારા વિષે ખરાબ બોલે, તમારી ઉપર જુલ્મ ગુજારે કે તમારા વિરૂદ્દ જુઠ્ઠાણું લાવે તો પણ તમને ધન્ય છે. 12 ખૂબજ પ્રસન્ન રહો અને આનંદમાં રહો કારણ આકાશમાં તમને ખૂબજ મોટો બદલો મળશે. યાદ રાખજો કે તમારી અગાઉના પ્રબોધકો ઉપર જુલ્મ ગુજારાયો હતો.

મેથ્યુ 5

તમે મીઠા સમાન છો અને પ્રકાશ સમાન છો

13 “તમે જગતનું મીઠું છો. પરંતુ મીઠું જો એનો સ્વાદ ત્યજી દેશે તો પછી તે ફરીથી ખારાશવાળું નહિ જ થઈ શકે. જો મીઠું તેનો સ્વાદ ગુમાવી દેશે તો તે નકામું છે એમ સમજીને તેને ફેંકી દેવાશે અને લોકો તેને પગ તળે છુંદી નાખશે.

14 “તમે સ્વયં પ્રકાશ છો, જે આખા જગતને પ્રકાશિત કરે છે. પર્વત ઉપર બાંધેલ નગરને છુપાવી શકાતું નથી, તેને દરેક જણ જોઈ શકે છે. 15 અને લોકો દીવો સળગાવીને પછી તેને વાટકા નીચે મૂકતા નથી, પણ તેઓ તેને દીવી પર મૂકે છે પછી તે દીવો ઘરમાં જે બધા લોકો રહે છે તેમને પ્રકાશ આપે છે. 16 તે રીતે તમારે પણ બીજા લોકોને પ્રકાશ આપવો જોઈએ. જેથી તેઓ તમારી રૂડી કરણીઓ જોઈને લોકો તમારા આકાશમાં બાપની સ્તુતિ કરે.

ઈસુ અને જૂનું નિયમશાસ્ત્ર

17 “એવું ના માનશો કે હું મૂસાના નિમયશાસ્ત્રનો કે પ્રબોધકોના ઉપદેશોનો નાશ કરવા આવ્યો છું. હું તેના ઉપદેશોનો નાશ કરવા માટે નહિ પરંતુ તેનો પૂરો અર્થ સમજાવવા આવ્યો છું. 18 હું તમને સત્ય કહું છું કે જ્યાં સુધી આકાશ તથા પૃથ્વી જતાં રહે ત્યાં સુધી કશું જ અદ્રશ્ય થઈ શકશે નહિ, આવું બનશે નહિ (વિનાશ સજાર્શે નહિ) ત્યાં સુધી નિમયશાસ્ત્રમાંથી એક કાનો અથવા એક માત્રા જતો રહેશે નહિ.

19 “મનુષ્યે નિયમની દરેક આજ્ઞાઓનું પાલન કરવું જોઈએ પછી ભલે તે આજ્ઞાની કોઈ અગત્યતા ન જણાય. મનુષ્ય જો આજ્ઞાઓનું પાલન કરવાની ના પાડશે અને બીજાઓને તેમ કરવા શીખવશે તો આકાશના રાજ્યમાં તે મનુષ્ય બીન મહત્વનો ગણાશે. જેઓ નિયમ અને નિયમશાસ્ત્રનું પાલન કરશે તેમજ બીજા લોકોને તેનું પાલન કરવા જણાવશે, તેઓ આકાશના રાજ્યમાં મહાન હશે. 20 હું તમને જણાવું છું કે તમારે શાસ્ત્રીઓ અને ફરોશીઓ કરતાં દેવને જેની જરૂર છે તે માટે કઈક વધુ સારું કરનારા થવું જોઈએ નહિ તો તમે આકાશના રાજ્યમાં દાખલ પણ થઈ શકશો નહિ.

હત્યા

21 “તમે સાંભળ્યુ હશે કે ઘણાં વર્ષો પહેલાં આપણા લોકોને એવું કહેવામાં આવ્યું છે કે ‘કોઈપણ મનુષ્યની હત્યા ન કરે, જે મનુષ્યની હત્યા કરે છે તેનો ન્યાય થશે અને તે અપરાધી ઠરવાના જોખમમાં પડશે.’ 22 પણ હું તમને કહું છું કે, બીજા ઉપર ક્રોધીત ના થાવ, દરેક તમારો ભાઈ છે. જો તમે બીજા કોઈ ઉપર ક્રોધ કરશો તો તમારો ન્યાય ન્યાયસભામાં થશે. બીજી કોઈ વ્યક્તિ સાથે બીજા માટે ખરાબ બોલશે તો તમારો યહૂદીના દરબારમાં ન્યાય થશે. જો તમે બીજાને મૂર્ખ કહેશો તો તમારે નરકની આગના ભયમાં મૂકાવું પડશે.

23 “તમે અર્પણવેદી ઉપર દેવને અર્પણ આપો ત્યારે બીજા લોકોનો વિચાર કરો, અને જો તને યાદ આવે કે તારા ભાઈને તારી વિરૂદ્ધ કોઈ ફરિયાદ છે. 24 તો તારું અર્પણ વેદી આગળ રહેવા દે, અને પહેલા જઈને તેની સાથે સમાધાન કરી લે. અને પછી આવીને તારું અર્પણ ચઢાવ.

25 “તારો દુશ્મન તને ન્યાયસભામાં લઈ જાય તો ત્વરીત તેની સાથે મિત્રતા કર, આ તારે ન્યાયસભામાં જતાં પહેલા કરવું અને જો તું તેનો મિત્ર નહિ થઈ શકે તો તે તને ન્યાયસભામાં ઘસડી જશે. અને ન્યાયાધીશ કદાચ તને અધિકારીને સુપ્રત કરશે અને તને જેલમાં નાખવામાં આવશે. 26 હું તને સત્ય કહું છું. જ્યાં સુધી તમે તમારું દેવું પૂરે પૂરું ચૂકવશો નહિ ત્યાં સુધી તમે જેલમાંથી છૂટી શકશો નહિ.

ઈસુ વ્યભિચારના પાપ વિષે શિક્ષણ આપે છે

27 “તમે સાંભળ્યું છે કે એમ કહેવામાં આવ્યું હતું: ‘વ્યભિચારનું પાપ કરવું નહિ.’ 28 પરંતુ હું તમને જણાવું છું કે જો તમે કોઈ સ્ત્રીને પામવાની ઈચ્છાથી તેના તરફ નજર કરો તો તમે તમારા મનથી તેની સાથે વ્યભિચાર કર્યો છે. 29 જો તમારી જમણી આંખ તમને પાપ કરવા પ્રેરે તો તેને કાઢીને ફેંકી દો. તમારું આખું શરીર નરકમાં ધકેલાય તેના કરતાં તમારા શરીરનો એક ભાગ ગુમાવવો તે વધુ હિતાવહ છે. 30 જો તમારો જમણો હાથ તમને પાપ કરવા પ્રેરે તો તેને કાપીને ફેંકી દો. આખુ શરીર નરકમાં ધકેલાય તેના કરતાં તમારા શરીરનો એક ભાગ ગુમાવવો તે તમારા માટે વધુ હિતાવહ છે.

ઈસુ છૂટા છેડા વિષે શિક્ષણ આપે છે

31 “એમ પણ કહેવામાં આવ્યું હતું, ‘જે માણસ તેની પત્નીને છૂટા છેડા આપે તેણે તેને છૂટા છેડાનું લેખિત નિવેદન આપવું જોઈએ.’ 32 પરંતુ હું તમને કહું છું કે જે માણસ તેની પત્નીને છૂટા છેડા આપે છે તે તેને વ્યભિચારનું પાપ કરવા પ્રેરે છે. પુરુંષને માટે તેની પત્નીને છૂટા છેડા આપવા માટેનું એક માત્ર કારણ એ છે કે તેને બીજા કોઈ પુરુંષ સાથે વ્યભિચાર કર્યો હોય. અને એવી છૂટા છેડા વાળી સ્ત્રીને પરણનાર કોઈપણ માણસ વ્યભિચારનું પાપ કરે છે.

ઈસુ સમ વિષે શિક્ષણ આપે છે

33 “તમે સાંભળ્યું કે આપણા પૂર્વજોને એ પણ કહેવામાં આવ્યું હતું કે, ‘તમે પ્રભુના નામે લીધેલા સમનો ભંગ કરશો નહિ.[b] પ્રભુને જે વચન આપ્યું છે તે હમેશા અવશ્ય પાળો.’ 34 પણ હું તમને કહું છું કે, કદી સમ ન ખાઓ, કદી આકાશના નામે સમ ના ખાઓ કારણ કે આકાશ તો દેવનું રાજ્યાસન છે. 35 પૃથ્વીના નામે કદી સમ ખાઓ નહિ કારણ કે પૃથ્વી દેવનું પાયાસન છે. અને યરૂશાલેમના નામે પણ સમ ન ખાઓ કારણ એ મહાન રાજાનું શહેર છે. 36 તમારા માથાના પણ સમ ન ખાઓ. તમે માથાના એક પણ વાળને સફેદ કે કાળો કરી શકશો નહિ. 37 ફક્ત ‘હા’ કે ‘ના’ કહો એટલું પૂરતું છે. તમે તેમાં જે કંઈ ઉમેરશો તો તે ભૂંડાથી આવેલું છે.

ઈસુ વેર વિષે શિક્ષણ આપે છે

38 “તમે સાંભળ્યું કે એમ કહેવાયુ હતુ, ‘આંખ ને બદલે આંખ અને દાંત ને બદલે દાંત.’ 39 પરંતુ હું તમને કહું છું કે દુષ્ટ વ્યક્તિનો પ્રતિકાર ન કરો. જો તમને કોઈ જમણા ગાલ પર તમાચો મારે, તો તમારે બીજો ગાલ દરવો. 40 જો તમારું ખમીસ લઈ લેવા માટેનો દાવો કરીને તમને કોઈ ન્યાયસભામાં લઈ જવા ઈચ્છે તો તમારો કોટ પણ તેને આપી દો. 41 જો કોઈ સૈનિક તમને તેની સાથે એક માઈલ ચાલવા બળજબરી કરે તો તમે તેની સાથે બે માઈલ ચાલો. 42 જો કોઈ તમારી પાસે કંઈક માગે તો તેને અવશ્ય આપો, તમારી પાસે કોઈ ઉછીનું માંગવા આવ તો ના પાડશો નહિ.

43 “તમે સાંભળ્યું કે એમ કહેવાયું હતું કે, ‘તું તારા પડોશીને પ્રેમ કર અને દુશ્મનને ધિક્કાર.’ 44 પણ હું તમને કહું છું કે તમારા દુશ્મનોને પ્રેમ કરો અને જેઓ તમારા ઉપર જુલ્મ કરે છે તેમના માટે પ્રાર્થના કરો. 45 જો તમે આ પ્રમાણે કરશો તો તમે આકાશમાં રહેલા તમારા પિતાના સાચા દીકરા ગણાશો અને તમારા પિતા, સૂર્યનો પ્રકાશ ભલા અને ભૂંડા લોકો માટે મોકલે છે. વરસાદ પણ ભલૂં કરનાર અને ભૂંડુ કરનાર માટે મોકલે છે. 46 જે તમને પ્રેમ કરે છે તેમને તમે પ્રેમ કરશો તો તમને કોઈક બદલો મળશે. દાણીએ પણ આમ જ કરે છે. 47 જો તમે તમારા મિત્રો પ્રત્યે સારા હશો તો તમે બીજા કરતા સારા નહિ ગણાવ, જે લોકો દેવ વિનાના છે તે પણ તેમના મિત્રો માટે સારા છે. 48 એટલે આકાશમાં રહેલા તમારા પિતા જેટલા પરિપૂર્ણ છે તેટલા તમારે પણ પરિપૂર્ણ થવુ જોઈએ

ઈસુ દાન વિષે શિક્ષણ આપે છે

6 “સાવધાન રહો! તમે કોઈપણ સત્તકાર્યો કરો તો તે લોકોની સમક્ષ કરશો નહિ. લોકો તમને સારા કાર્યો કરતાં જુએ તે રીતે ના કરો. એમ કરશો તો આકાશના પિતા તરફથી તમને કોઈ જ બદલો મળશે નહિ.

“જ્યારે તમે ગરીબોને આપો તો તેની જાહેરાત કરશો નહિ. દંભી લોકો દાન આપતાં પહેલાં તેનાં બણગાં ફૂંકે છે અને લોકો તેમને આપતા જુએ એ રીતે જાહેરમાં ધર્મસ્થાનો અને શેરીઓમાં આપે છે. કારણ બીજા લોકો તેમને માન આપે તેવું તેઓ ઈચ્છે છે. હું તમને સત્ય કહું છું તેમને જે બદલો મળ્યો છે તે એટલો જ છે. જેથી જ્યારે તમે ગરીબોને આપો તો ખાનગીમાં આપો, તમે શું કરો છો તેની કોઈને જાણ પણ થવા દેશો નહિ. તમારું દાન ગુપ્ત હોવું જોઈએ. તમે જે કાંઈ ગુપ્ત રીતે કરો છો તે તમારો પિતા કે જે ગુપ્ત રીતે જે કાંઈ થાય છે તે જોઈ શકે છે. તે તમને બદલો આપશે.

ઈસુ પ્રાર્થના વિષે શિક્ષણ આપે છે

“જ્યારે તમે પ્રાર્થના કરો, ત્યારે દંભી લોકોની જેમ ના કરો. દંભી લોકો સભાસ્થાનોએ શેરીઓના ખૂણા પાસે ઉભા રહી મોટા અવાજથી પ્રાર્થના કરે છે. જેથી લોકો તેમને જોઈ શકે. હું તમને સત્ય કહું છું કે તેમને તેનો પૂરો બદલો મળી ગયો છે. જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે તમારા ઓરડામાં જાઓ અને તમારા ઓરડાના બારણાં બંધ કરો. પછી તમારા પિતાને પ્રાર્થના કરો. તમારો પિતા ગુપ્ત રીતે કરવામાં આવેલાં કામ જોઈ શકે છે. અને તે તેનો તમને બદલો આપે છે.

“અને જ્યારે તમે પ્રાર્થના કરો, ત્યારે અધર્મીઓની જેમ પ્રાર્થના ના કરો, તેઓ માને છે કે દેવની પાસે ઘણી વાતો કરવાથી દેવ ચોક્કસ કાંઈક તો સાંભળશે જ. તમે એવા લોકો જેવા ન બનો, તમે તેની પાસે માંગણી કરો તે પહેલા તમરા પિતા જાણે છે કે તમારે શાની જરૂર છે. તેથી જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે તમારે આ પ્રમાણે પ્રાર્થના કરવી જોઈએ:

‘ઓ આકાશમાંના અમારા પિતા,
    અમે પ્રાર્થના કરીએ કે તારું નામ હંમેશા પવિત્ર રહેવું જોઈએ.
10 તારું રાજ્ય આવે અને તું ઈચ્છે છે તેવી બાબતો જે રીતે આકાશમાં બને
    છે તે રીતે પૃથ્વી ઉપર બને તે માટે અમે પ્રાર્થના કરીએ છીએ.
11 અમને અમારી રોજની જરૂરિયાત પ્રમાણે અન્ન આપ.
12 જે રીતે અમે અમારું ખરાબ કરનારને માફી આપી છે,
    તે રીતે તું પણ અમે કરેલા પાપોની માફી આપ.
13 અને અમને લાલચમાં પડવા દઈશ નહિ;
    પરંતુ શેતાનથી અમને બચાવ.’[a]

14 હા, જો તું બીજાઓનાં દુષ્કર્મો માફ કરશે, તો આકાશનો પિતા તારાં પણ દુષ્કર્મો માફ કરશે. 15 પરંતુ જો તું તારું ખરાબ કરનારને માફ નહિ કરે તો આકાશનો પિતા તને પણ માફ નહિ કરે.

ઈસુ ઉપવાસ વિષે શિક્ષણ આપે છે

16 “જ્યારે તમે ઊપવાસ કરો, ત્યારે તમારી જાતને ઉદાસ દેખાડશો નહિ, દંભીઓ એમ કરે છે. તેઓ તેમના ચહેરા વિચિત્ર બનાવી દે છે જેથી લોકોને બતાવી શકે કે તેઓ ઉપવાસ કરી હ્યા છે. હું તમને સત્ય કહું છું કે તે દંભી લોકોને તેનો બદલો પૂરેપૂરો મળી ગયો છે. 17 જ્યારે તું ઉપવાસ કરે ત્યારે, તારા માથા પર તેલ ચોપડ અને તારું મોં ધોઈ નાખ. 18 ત્યારે લોકોને ના જણાવો કે તમે ઉપવાસ કર્યા છે, તમારા પિતા જેને તમે જોઈ શક્તા નથી તે બધુંજ જુએ છે. તમે ગુપ્ત રીતે જે કંઈ કરો છો તે તમારા આકાશમાંના પિતા જુએ છે. અને તે તમને તેનો બદલો જરૂરથી આપશે.

ધન કરતાં દેવનું વધુ મહત્વ

19 “તમારા માટે અહી પૃથ્વી ખજાનાનો સંગ્રહ ન કરો કારણ કે પૃથ્વી પર કીડા તથા કાટ ખજાનાનો નાશ કરે છે. ચોર ખાતર પાડીને ચોરી જાય છે. 20 આકાશમાં ખજાનાઓને સંગ્રહ કરો, આકાશમાં તમારા ખજાનાઓને નાશ ઉધઈ કે કાટ કરી શકશે નહિ કે તેને ચોર ચોરી જશે નહિ. 21 જ્યાં તમારું ધન હશે ત્યાં જ તમારું ચિત્ત રહેશે.

22 “આંખ તો શરીરનો દીવો છે. જો તારી આંખો સારી હશે, તો તારું આખુ શરીર પ્રકાશથી પૂર્ણ રહેશે. 23 પણ જો તારી આંખો ભૂુંડી હશે તો તારું આખું શરીર અંધકારમય રહેશે. અને જો તારી પાસેનો એક માત્ર પ્રકાશ હકીકતમાં અંધકાર જ હોય તો અંધકાર કટલો અંધકારમય હશે.

24 “કોઈપણ વ્યક્તિ એક સાથે બે ઘણીની સેવા કરી શકે નહિ. તે એકને પ્રેમ કરે તો બીજાને તિરસ્કાર કરે અથવા એક ઘણીને સમર્પિત બનશે અને બીજાને અનુસરવાની ના પાડશે. તમે એક સાથે ધન અને દેવની સેવા કરી શકો નહિ.

પ્રથમ દેવનું રાજ્ય

25 “તેથી હું તમને કહું છું કે, તમારે જીવવા માટે જરૂરી ખાવાપીવાની ચિંતા કરશો નહિ અને શરીરને ઢાંકવા કપડાંની ચિંતા ના કરો. કારણ ખોરાક કરતાં જીવન બધારે અગત્યનું છે અને કપડાં કરતાં શરીર વધારે અગત્યનું છે. 26 તમે પક્ષીઓને જુઓ, તેઓ બી વાવતાં નથી, ને કાપતાં નથી ને કોઠારોમાં ભરતાં નથી. અને છતાય તમારો પિતા તે પંખીઓનું ભરણપોષણ કરે છે તમે તો પક્ષીઓ કરતાં ઘણા જ મૂલ્યવાન છો. 27 એના વિષે ચિંતા કરવાથી તમારાં આયુષ્યમાં એકાદ પળનો પણ વધારો નહિ કરી શકો.

28 “અને તમે તમારાં વસ્ત્રો વિષે શા માટે ચિંતા કરો છો? ખેતરનાં ફૂલોને નિહાળો, તેઓ કેવાં ખીલે છે, તેઓ તેના માટે મહેનત કરતાં નથી કે પોતાને માટે વસ્ત્રો પણ બનાવતાં નથી. 29 અને છતાં પણ હું તમને કહું છું કે સુલેમાને તેની પૂર્ણ ભવ્યતામાં પણ ફૂલોમાંના એકાદ ફૂલ જેવો સુંદર પોષાક ધારણ કર્યો ન હતો. 30 જે ઘાસ આજે છે તે આવતીકાલે કરમાઈ જશે, તો તેને અગ્નિમાં બાળી દેવામાં આવશે એવા ઘાસની કાળજી દેવ રાખે છે તો હે માનવી, એ દેવ તારી કાળજી નહિ રાખે? તેના ઉપર આટલો ઓછો વિશ્વાસ રાખશો નહિ.

31 “તેથી તમે ચિંતા રાખશો નહિ અને કહેશો નહિ, ‘અમે શું ખાઈશું?’ ‘અમે શું પીશું?’ અથવા ‘અમે શું પહેરીશું?’ 32 જે લોકો દેવને ઓળખતા નતી તેઓ આ બધી વસ્તુઓની પાછળ પડે છે. તમે આની ચિંતા ના કરો કારણ કે આકાશમાં રહેલાં તમારા પિતાને ખબર છે કે તમારે આ બધાની જરૂર છે. 33 પણ પહેલા તમે દેવના રાજ્યને તથા તેના ન્યાયીપણાને શોધો, તો તે પણ તમને આ બધી જ વસ્તુઓ આપશે. 34 તે માટે આવતીકાલની ચિંતા ન કરો. આજની સમસ્યાઓ આજને માટે પૂરતી છે. આવતીકાલનું દુ:ખ આવતીકાલનું છે.

બીજાઓને દોષિત ન ઠરાવો, અને દેવ તમને દોષિત ઠરાવશે નહિ. તમે જે રીતે બીજાનો ન્યાય કરશો, તે જ રીતે તમારો પણ ન્યાય થશે તમે બીજાઓનો ન્યાય કરવા જે માપનો ઉપયોગ કરો છો, તે જ માપનો ઉપયોગ તમારા ચુકાદા માટે થશે.

“જો તારી આંખમાં ભારોટિયો હોય તે તું જોઈ નથી શકતો તો તારા ભાઈની આંખમાંનું તણખલું શા માટે જુએ છે? તું તારા ભાઈને કેવી રીતે કહી શકે, ‘તારી આંખમાં જે તણખલું છે તે મને કાઢવા દે?’ જ્યારે તારી આંખમાં મોટો ભારોટિયો હોય! ઓ ઢોંગી તું પહેલાં તારી આંખમાંનો મોટો ભારોટિયો દૂર કર, પછી તું સારી રીતે જોઈ શકીશ. અને તારા ભાઈની આંખમાંથી તણખલું કાઢી શકીશ.

“જે પવિત્ર છે તે કૂતરાઓની આગળ ના નાંખો અને ભૂંડોની આગળ મોતી ન વેરો. કદાચ તેઓને પગ નીચે કચડી નાંખે અને તમારા તરફ પાછા ફરી તમને ફાડી નાખે.

જે જોઈએ છે તેના માટે દેવને પ્રાર્થના કરો

“દેવ પાસે માંગવાનું ચાલું રાખો, અને દેવ તમને આપશે, શોધવાનું ચાલું રાખો, અને તમને જડશે. ખખડાવવાનું ચાલું રાખો અને દરવાજો તમારા માટે ઉઘડી જશે. કારણ કે જે માંગે છે તેને એ જરૂરથી મળે છે, જે શોધતા રહે છે તેમને જરૂરથી પ્રાપ્ત થાય છે. અને જે ખટખટાવે છે, તેમને માટે દરવાજા અવશ્ય ઉઘડી જાય છે.

“તમારામાંના કોઈ એકને દોકરો છે? જો તારો દીકરો તારી પાસે રોટલી માંગે તો શું તું તેને પથ્થર આપીશ? ના! 10 જો તારો દીકરો તારી પાસે માછલી માંગે તો તું તેને સર્પ આપશે? ના! 11 તમે ભૂડા છતાં તમે પોતાના બાળકોને સારો ખોરાક આપી જાણો છો તો તમારા આકાશમાંના પિતાની પાસે માંગશો તો તમને જરૂર સારી વસ્તુઓ આપશે.

12 “તમે બીજા પાસે જેવા વ્યવહારની અપેક્ષા રાખતા હોય એવો જ વ્યવહાર તમે તેઓની સાથે રાખો. મૂસાના નિયમશાસ્ત્ર અને પ્રબોધકોની વાતોનો સારાંશ એ જ છે.

આકાશ અને નરકનો માર્ગ

13 “સાંકડા કરવાજામાંથી દાખલ થાઓ, કારણ કે જે દરવાજો પહોળો છે અને જે રસ્તો સરળ છે, તે વિનાશ તરફ દોરે છે. ઘણા લોકો તે રસ્તેથી જાય છે. 14 જે દરવાજો સાંકડો છે, અને જે રસ્તો નાનો છે, તે સાચા જીવન તરફ દોરે છે. ફક્ત થોડા જ લોકોને તે જડે છે.

મનુષ્યોનાં કૃત્યોને ઓળખો

15 “જૂઠા પ્રબોધકોથી સાવધાન રહો. તેઓ તમારી પાસે ઘેટાંના વેશમાં આવે છે. પણ તેઓ વરુંઓ જેવા ભયંકર હોય છે. 16 તમે આવા લોકોને તેઓ જે વસ્તુઓ કરે છે તેનાથી ઓળખી શકશો. જેમ કાંટાળી ઝાડી પરથી દ્રાક્ષ અને કાંટાળી ઊંટકટારી પરથી અંજીર મળી શક્તા નથી. તેમ ખરાબ લોકો પાસેથી સારી વસ્તુની અપેક્ષા રાખી શકો નહિ. 17 તે જ પ્રમાણે પ્રત્યેક સારું વૃક્ષ સારાં ફળ આપે છે ને ખરાબ વૃક્ષ નઠારાં ફળ આપે છે. 18 તે જ પ્રમાણે સારું ઝાડ નઠારા ફળ આપી શક્તું નથી, અને ખરાબજાડ સારા ફળ આપી શક્તું નથી. 19 જે વૃક્ષ સારાં ફળ આપી શક્તાં નથી તેને કાપીને અગ્નિમાં નાંખી દેવામાં આવે છે. 20 તેથી તમે આવા લોકોને તેઓ કેવાં ફળો આપે છે તેના પરથી ઓળખી શકશો.

21 “જે મને પ્રભુ, પ્રભુ કહે છે, તે દરેક વ્યક્તિ આકાશના રાજ્યમાં પ્રવેશ કરશે એમ તો નહિ, પણ જેઓ મારા આકાશમાંના પિતાની ઈચ્છા પ્રમાણે કરે છે તેઓ જ આકાશમાં પ્રવેશી શકશે. 22 એ અંતિમ દિવસે ઘણા લોકો મને કહેશે, પ્રભુ અમે તારા માટે નથી બોલ્યા? તો શું અમે તારા નામે પ્રબોધ કર્યો નથી? અને તારા નામે ભૂતોને[a] કાઢયાં નથી? અને તારા નામે બીજા ઘણા પરાકમો કર્યા નથી? 23 પછી હું તેઓને કહીશ, ‘તમે અહીથી ચાલ્યા જાઓ, તમે ભૂંડા છો, મેં તમને કદી પણ ઓળખ્યા નથી.’

એક ડાહ્યો અને એક મૂર્ખ માણસ

24 “જે કોઈ વ્યક્તિ મારા વચનોને સાંભળે છે અને તે પ્રમાણે આચરણ કરે છે તે ખડક પર મકાન બાંધનાર ડાહ્યા માણસ જેવો છે. 25 ધોધમાર વરસાદ પડ્યો, પૂર આવ્યું અને તે ઘર પર વાવાઝોડું ફુંકાયું છતાં પણ તે ઘર તૂટી પડ્યું નહિ કારણ કે તેનો પાયો ખડક ઉપર બાંધેલો હતો.

26 “પરંતુ જે વ્યક્તિ મારા આ વચનોને ધ્યાનથી સાંભળે છે પરંતુ તે પ્રમાણે વર્તતો નથી તે રેતી પર ઘર બાંધનાર મૂર્ખ માણસ જેવો છે. 27 ધોધમાર વરસાદ આવ્યો, પૂર આવ્યું અને વાવાઝોડાના સપાટા લાગ્યા ત્યારે તે મકાન મોટા અવાજ સાથે જમીનદોસ્ત થઈ ગયું.”

28 ઈસુએ જ્યારે આ વચનો કહેવાનું પુરું કર્યુ, ત્યારે તેના ઉપદેશથી લોકો અચરત પામ્યા. 29 કારણ કે ઈસુ અધિકાર સાથે ઉપદેશ આપતો હતો, નહિ કે તેમના શાસ્ત્રીઓની જેમ.

પ્રથમ અઠવાડિયામાં

19 અઠવાડિયાના પહેલા દિવસે તે સાંજે બધા શિષ્યો ભેગા થયા હતા. બારણાંઓને તાળા હતાં, કારણ કે, તેઓ યહૂદિઓથી ડરતાં હતા. પછી ઈસુ તેઓની વચ્ચે આવ્યો અને ઊભો રહ્યો ઈસુએ કહ્યું, “તમને શાંતિ થાઓ!” 20 આમ કહ્યાં પછી ઈસુએ શિષ્યોને તેના હાથ અને તેની કૂખ બતાવી. જ્યારે તેઓએ પ્રભુને જોયો ત્યારે ખૂબ ખુશ થયા.

21 પછી ઈસુએ ફરીથી કહ્યું, “તમને શાંતિ થાઓ!” પિતાએ મને મોકલ્યો છે. તે જ રીતે હવે, હું તમને મોકલું છું. 22 આમ કહ્યાં પછી તેણે શિષ્યો પર શ્વાસ નાખ્યો. ઈસુએ કહ્યું, “પવિત્ર આત્મા પામો. 23 જો તમે લોકોના પાપોને માફ કરશો, તો પછી તેઓનાં પાપોની માફી મળશે. જો તમે લોકોનાં પાપોને માફ નહિ કરો તો, પછી તેઓનાં પાપ માફ થશે નહિ.”

થોમાને ઈસુના દર્શન

24 થોમા (દીદુમસ કહેવાતો) જ્યારે ઈસુ આવ્યો ત્યારે બીજાઓની સાથે તે નહોતો. થોમા તે બારમાંનો એક હતો. 25 બીજા શિષ્યોએ થોમાને કહ્યું, “અમે પ્રભુને જોયો છે.” થોમાએ ઉત્તર આપ્યો, “જ્યા સુધી હું તેના હાથમાં ખીલાંના ઘા ના જોઉં ત્યાં સુધી હું વિશ્વાસ કરીશ નહિ. તેના હાથોના ઘા જોયા વિના તથા મારી આંગળી ખીલાઓના ઘામાં મૂક્યા વિના તથા તેની કૂખમાં મારો હાથ મૂક્યા વિના હું વિશ્વાસ કરીશ નહિ.”

26 એક અઠવાડિયા પછી ફરીથી શિષ્યો ઘરમાં હતા. થોમા તેઓની સાથે હતો. બારણાંઓને તાળાં હતાં. પરંતુ ઈસુ આવ્યો અને તેઓની વચ્ચે આવીને ઊભો. ઈસુએ કહ્યું, “તમને શાંતિ થાઓ!” 27 પછી ઈસુએ થોમાને કહ્યું, “તારી આંગળી અહીં મૂક. મારા હાથો તરફ જો. તારો હાથ અહીં મારી કૂખમાં મૂક. શંકા કરવાનું બંધ કરી વિશ્વાસ કરવાનું શરું કર.”

28 થોમાએ ઈસુને કહ્યું, “મારા પ્રભુ અને મારા દેવ!”

29 ઈસુએ થોમાને કહ્યું, “તેં વિશ્વાસ કર્યો કારણ કે તેં મને જોયો. જે લોકો મને જોયા વિના વિશ્વાસ કરે છે તેઓને ધન્ય છે.”

યોહાને આ પુસ્તક શા માટે લખ્યું

30 ઈસુએ બીજા ઘણા ચમત્કારો કર્યા જે તેના શિષ્યોએ જોયા. આ ચમત્કારો આ પુસ્તકમાં લખેલા નથી. 31 છતાં આ વાતો લખી છે તેથી તમે વિશ્વાસ કરો કે ઈસુ જ ખ્રિસ્ત છે, દેવનો દીકરો છે. પછી, વિશ્વાસ કરવાથી, તેના નામ દ્વારા તમે જીવન પ્રાપ્ત કરી શકશો.

જ્હોન 20: 19-31

પ્રથમ અઠવાડિયા પછી

 પાછળથી, તેના શિષ્યોને ઈસુએ પોતાની જાતે દર્શન દીધા. આ તિબેરિયાસ (ગાલીલ) સરોવરની બાજુમાં હતું. તે આ રીતે બન્યું. શિષ્યોમાંના કેટલાક ભેગા થયા હતા. તેઓમાં સિમોન પિતર, થોમા (જે દીદુમસ કહેવાતો હતો તે) ગાલીલના કાનાનો નથાનિયેલ, ઝબદીના બે દીકરાઓ, અને બીજા બે શિષ્યો હતા. સિમોન પિતરે કહ્યું, “હું માછલા પકડવા બહાર જાઉં છું.”

બીજા શિષ્યોએ કહ્યું, “અમે તારી સાથે આવીશું.” પછી બધા જ શિષ્યો બહાર ગયા અને હોડીમાં બેઠા. તેઓએ તે રાત્રે માછલા પકડવા પ્રયત્ન કર્યો પણ કંઈ હાથ આવ્યું નહિ.

બીજી વહેલી પરોઢે ઈસુ સમુદ્રકાંઠે ઊભો હતો. પરંતુ શિષ્યોએ તેને ઓળખ્યો નહિ કે તે ઈસુ હતો. પછી ઈસુએ શિષ્યોને કહ્યું, “મિત્રો તમે કોઈ માછલી પકડી છે?”

શિષ્યોએ કહ્યું, “ના.”

ઈસુએ કહ્યું, “તમારી હોડીની જમણી બાજુએ પાણીમાં તમારી જાળ નાખો. તમે ત્યાં થોડી માછલીઓ પકડી શકશો.” તેથી શિષ્યોએ આમ કર્યુ. તેઓએ એટલા બધા માછલાં પકડ્યાં કે તેઓ જાળને હોડીમાં પાછી ખેંચી શક્યા નહિ.

ઈસુ જેને પ્રેમ કરતો હતો તે શિષ્યોમાંના એક શિષ્યએ પિતરને કહ્યું, “તે માણસ પ્રભુ છે!” પિતરે તેને આમ કહેતો સાંભળ્યો, “તે માણસ પ્રભુ છે,” પિતરે તેનો ડગલો પહેર્યો. (કામ કરવા તેણે પોતાનાં કપડાં કાઢી નાખ્યાં હતાં.) પછી તે પાણીમાં કૂદી પડયો. બીજા શિષ્યો હોડીમાં કિનારે ગયા. તેઓએ માછલા ભરેલી જાળ ખેંચી. તેઓ કિનારાથી 100 વારથી વધારે દૂર ન હતા. જ્યારે શિષ્યો હોડીમાંથી નીચે ઉતરી કિનારા પર આવ્યા. તેઓએ ગરમ કોલસાનો અગ્નિ જોયો. ત્યાં આગ પર એક માછલી અને ત્યાં બાજુમાં રોટલી પણ હતી. 10 પછી ઈસુએ કહ્યું, “તમે માછલીઓ પકડી છે તેમાંથી થોડી લાવો.”

11 સિમોન પિતર હોડીમાં ગયો અને જાળને સમુદ્રકિનારે ખેંચી. તે મોટી માછલીઓથી ભરેલી હતી. ત્યાં 153 માછલીઓ હતી. માછલીઓ ઘણી ભારે હતી, પણ જાળ ફાટી નહિ. 12 ઈસુએ તેઓને કહ્યું, “આવો અને ખાઓ.” શિષ્યોમાંથી કોઈ પણ તેને પૂછી શક્યો નહિ, “તું કોણ છે?” તેઓએ જાણ્યું તે પ્રભુ હતો. 13 ઈસુ ભોજન તરફ ગયો. તેણે રોટલી લીધી અને તે તેઓને આપી. ઈસુએ પણ માછલી લીધી અને તે તેઓને આપી.

14 મૃત્યુ પામેલાઓમાંથી ઊઠયા પછી ઈસુએ પોતાના શિષ્યોને આમ ત્રીજી વાર દર્શન દીધા.

ઈસુ પિતર સાથે વાત કરે છે

15 જ્યારે તેઓએ ભોજન પૂરું કર્યુ, ઈસુએ સિમોન પિતરને કહ્યું, “સિમોન, યોહાનના દીકરા, શું તું મને આ બીજા પુરુંષો કરતાં વધારે હેત કરે છે?”

પિતરે ઉત્તર આપ્યો, “હા, પ્રભુ, તું જાણે છે કે હું તને હેત કરું છું.”

પછી ઈસુએ પિતરને કહ્યું, “મારા હલવાનો[a] ની સંભાળ રાખ.”

16 ફરીથી ઈસુએ પિતરને કહ્યું, “સિમોન, યોહાનના દીકરા, શું તું મને પ્રેમ કરે છે?”

પિતરે ઉત્તર આપ્યો, “હા, પ્રભુ, તું જાણે છે કે હું તને પ્રેમ કરું છું.”

પછી ઈસુએ પિતરને કહ્યું, “મારા ઘેટાંઓની સંભાળ રાખ.”

17 ઈસુએ ત્રીજી વાર કહ્યું, “સિમોન, યોહાનના દીકરા, શું તું મને પ્રેમ કરે છે?”

પિતર ઉદાસ હતો કારણ કે ઈસુએ તેને ત્રણ વખત પૂછયું, “શું તું મને પ્રેમ કરે છે?” પિતરે કહ્યું, “પ્રભુ તું બધું જાણે છે. તું જાણે છે કે હું તને પ્રેમ કરું છું!”

ઈસુએ પિતરને કહ્યું, “મારા ઘેંટાંની સંભાળ રાખ. 18 હું તને સત્ય કહું છું. જ્યારે તું યુવાન હતો. તું તારો પોતાનો પટ્ટો બાંધી અને તારી જ્યાં જવાની ઈચ્છા હતી ત્યાં ગયો. પણ જ્યારે તું વૃદ્ધ થશે ત્યારે તું તારા હાથ લાંબા કરીશ અને બીજો કોઈ પુરુંષ તને બાંધશે. તે વ્યક્તિ તારી ઈચ્છા જ્યાં નહિ જવાની હશે ત્યાં દોરી જશે.” 19 (ઈસુએ દેવનો મહિમા પ્રગટ કરવા, તે દર્શાવવા એમ કહ્યું.) પછી ઈસુએ પિતરને કહ્યું, “મારી પાછળ આવ!”

20 પિતર પાછો વળ્યો અને ઈસુ જે શિષ્યને પ્રેમ કરતો હતો, તેને પાછળ ચાલતો જોયો. (આ તે શિષ્ય હતો જેણે વાળુના સમયે તેની છાતી પર અઢેલીને પૂછયું હતું, “પ્રભુ તારી વિરૂદ્ધ કોણ થશે?”) 21 જ્યારે પિતરે આ શિષ્યને તેની પાછળ જોયો. તેણે ઈસુને પૂછયું, “પ્રભુ, તેના વિષે શું છે?”

22 ઈસુએ ઉત્તર આપ્યો, “ધારો કે હું પાછો આવું ત્યાં સુધી તે જીવતો રહે એવી મારી ઈચ્છા હોય, તેનું તારા માટે કોઈ મહત્વ હોવું જોઈએ નહિ. તું મારી પાછળ આવ!”

23 તેથી એ વાત ભાઈઓમાં અંદર અંદર પ્રસરી. તેઓ કહેતા હતા કે આ શિષ્ય જેને ઈસુ પ્રેમ કરતો હતો તે મૃત્યુ પામશે નહિ. પણ ઈસુએ કહ્યું ન હતું કે તે મૃત્યુ પામશે નહિ. તેણે ફક્ત કહ્યું, “ધારો કે મેં નક્કી કર્યુ હોય કે હું પાછો આવું ત્યાં સુધી તે જીવે એમાં તારે શું?”

24 તે શિષ્ય જે આ બાબત કહે છે, તે જેણે હમણાં આ બાબત લખી છે. અમે જાણીએ છીએ કે તે જે કહે છે તે સાચું છે.

25 ત્યાં બીજી ઘણી બાબતો છે જે ઈસુએ કરી છે. જો તે બાબતોના પ્રત્યેક કામો લખવામાં આવે તો હું ધારું છું કે એટલા બધાં પુસ્તકો થાય કે તેનો સમાવેશ આ જગતમાં થાય નહિ.

જ્હોન 21: 1-25

તેમની સ્વર્ગ તરફ પ્રસ્થાન

લૂક બીજુ પુસ્તક લખે છે

1 વહાલા થિયોફિલ,

મેં પ્રથમ પુસ્તક ઈસુએ જે કંઈ કર્યુ અને શીખવ્યું તે દરેક બાબતો વિષે લખ્યું છે. મેં ઈસુના જીવનના આરંભથી તેને જે દિવસથી આકાશમાં લઈ લેવામાં આવ્યો ત્યાં સુધીના સમગ્ર જીવન વિષે લખ્યું છે. આ બનતાં પહેલાં, ઈસુએ પોતે પસંદ કરેલા પ્રેરિતો સાથે વાત કરી. પવિત્ર આત્માની સહાયથી ઈસુએ પ્રેરિતોને તેઓએ શું કરવું જોઈએ તે કહ્યું. આ ઈસુના મૃત્યુ પછીની વાત હતી. પણ તેણે પ્રેરિતોને બતાવ્યું કે તે જીવંત છે. ઈસુએ ઘણાં સાર્મથ્યશાળી પરાક્રમો કરીને આ સાબિત કર્યુ. પ્રેરિતોને ઈસુના મૃત્યુમાંથી સજીવન થયા બાદ 40 દિવસ દરમ્યાન ઘણીવાર તેના દર્શન થયાં. ઈસુએ પ્રેરિતોને દેવના રાજ્ય વિષે કહ્યું. એક વખત ઈસુ તેઓની સાથે જમતો હતો, ત્યારે ઈસુએ તેઓને યરૂશાલેમ છોડવાની ના પાડી હતી. ઈસુએ કહ્યું, “તમને બાપે જે વચન આપ્યું છે તે વિષે મેં તમને પહેલાં કહ્યું છે. આ વચન પ્રાપ્ત કરવા માટે અહીં યરૂશાલેમમાં રાહ જુઓ. યોહાને પાણીથી બાપ્તિસ્મા કર્યુ, પણ થોડા દિવસો પછી તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો.”

ઈસુ આકાશમાં લઈ લેવામાં આવ્યો છે

બધા પ્રેરિતો ભેગા થયા. તેઓએ ઈસુને પૂછયું, “પ્રભુ, શું આ સમય તારા માટે યહૂદિઓને તેઓનું રાજ્ય ફરીથી સોંપવાનો છે?”

ઈસુએ તેઓને કહ્યું, “ફક્ત એક માત્ર બાપ જ સમયો અને તારીખો નક્કી કરવા માટે અધિકૃત છે. આ વસ્તુઓ તમે જાણી શકો નહિ. પણ પવિત્ર આત્મા તમારી પાસે આવશે. પછી તમે સાર્મથ્ય પ્રાપ્ત કરશો. ત્યારે તમે મારા સાક્ષી થશો-તમે લોકોને મારા વિષે કહેશો. પહેલાં, તમે યરૂશાલેમમાં લોકોને કહેશો. પછી યહૂદિયામાં, સમરૂનમાં તથા વિશ્વના બધા જ લોકોને કહેશો.”

પ્રેરિતોને આ બાબતો કહ્યા પછી, ઈસુને આકાશમાં લઈ લેવામાં આવ્યો. પ્રેરિતોના દેખતાં જ ઈસુ વાદળમાં અદ્ધશ્ય થઈ ગયો, અને તેઓ તેને જોઈ શક્યા નહિ. 10 ઈસુ દૂર જઈ રહ્યો હતો અને પ્રેરિતો આકાશમાં જોઈ રહ્યા હતા. અચાનક, બે શ્વેત વસ્ત્રધારી માણસો તેઓની બાજુમાં આવીને ઊભા. 11 તે બે માણસોએ પ્રેરિતોને કહ્યું, “ઓ ગાલીલના માણસો, તમે અહીં આકાશ તરફ જોતાં શા માટે ઊભા છો? તમે જોયું કે ઈસુને તમારી પાસેથી આકાશમાં લઈ લેવામાં આવ્યો છે. જે રીતે તમે તેને જતાં જોયો તે જ રીતે તે પાછો આવશે.”

પ્રેરિતોનાં કૃત્યો 1: 1-11

આ બધું થઈ ગયા પછી દેવે ઇબ્રાહિમના વિશ્વાસની કસોટી કરવાનું નકકી કર્યુ. દેવે તેને કહ્યું, “ઇબ્રાહિમ!”

ત્યારે ઇબ્રાહિમે ઉત્તર આપ્યો, “હું આ રહ્યો.”

દેવે કહ્યું, “તારા પુત્રને, તારા એકનાએક પુત્રને, જે તને વહાલો છે તે ઇસહાકને લઈને તું મોરિયા પ્રદેશમાં જા. અને ત્યાં હું કહું તે ડુંગર ઉપર તું તેનું દહનાર્પણ કર.”

તેથી ઇબ્રાહિમ સવારે વહેલો ઊઠયો અને તેણે ગધેડા પર જીન નાખ્યું. ઇબ્રાહિમે તેના પુત્ર ઇસહાક અને બે નોકરોને સાથે લીધા. ઇબ્રાહિમે યજ્ઞ માંટે લાકડાં કાપીને તૈયાર કર્યા. અને પછી દેવે કહ્યું હતું તે જગ્યાએ જવા નીકળ્યા. ત્રણ દિવસના પ્રવાસ પછી ઇબ્રાહિમે ઉપર જોયું અને જે જગ્યાએ એ જતાં હતા તે જગ્યા દૂર નજરે પડી. પછી ઇબ્રાહિમે પોતાના નોકરોને કહ્યું, “તમે અહીં ગધેડા પાસે રહો, હું માંરા પુત્રને તે જગ્યાએ લઈ જઈશ અને ઉપાસના વિધી કરીશ, પછી અમે પાછા આવીશું.”

ઇબ્રાહિમે યજ્ઞ માંટેનાં લાકડાં લીધાં અને પોતાના પુત્ર ઇસહાકના ખભા પર ચઢાવ્યાં. અને ઇબ્રાહિમે પોતાના હાથમાં અગ્નિ અને છરો લીધો પછી ઇબ્રાહિમ અને તેનો પુત્ર બંને ઉપાસના માંટે તે જગ્યાએ એક સાથે ગયા.

ઇસહાકે પોતાના પિતા ઇબ્રાહિમને કહ્યું, “પિતાજી!”

ઇબ્રાહિમે ઉત્તર આપ્યો, “હા, બેટા, શું છે?”

ઇસહાક બોલ્યો, “જુઓ, અગ્નિ અને લાકડાં હું જોઉં છું. પણ દહનાર્પણ માંટે ઘેટું કયાં છે?”

ઇબ્રાહિમે ઉત્તર આપ્યો, “બેટા, દહનાર્પણ માંટેનું ઘેટું દેવ જાતે જ આપણને પૂરું પાડશે.”

તેથી, તેઓ બંને આગળ વધ્યા. જયારે તેઓ દેવે કહેલી જગ્યાએ આવી પહોંચ્યા ત્યારે ઇબ્રાહિમે એક વેદી તૈયાર કરી, તેના પર લાકડાં ગોઠવ્યાં અને પોતાના પુત્ર ઇસહાકને બાંધીને વેદી પરનાં લાકડાં ઉપર ચઢાવી દીધો. 10 પછી ઇબ્રાહિમે પોતાનો છરો કાઢયો અને પુત્રનો વધ કરવાની તૈયારી કરી.

11 ત્યારે યહોવાના દૂતે ઇબ્રાહિમને રોકયો. દેવદૂતે આકાશમાંથી બોલાવ્યો. “ઇબ્રાહિમ, ઇબ્રાહિમ!”

ઇબ્રાહિમે ઉત્તર આપ્યો, “જી!”

12 દેવદૂતે કહ્યું, “તારા પુત્રને માંરીશ નહિ, તેને કોઇ સજા કરીશ નહિ, મેં જોયું કે, તું દેવનો આદર કરે છે અને તેની આજ્ઞાનું પાલન કરે છે. મેં જોઇ લીધું છે કે, તું તારા એકના એક પુત્રને માંરા માંટે બલિ ચઢાવતાં ખચકાયો નથી.”

13 ઇબ્રાહિમે ઊંચી નજર કરીને જોયું તો તેની પાછળ ઝાડીમાં એક ઘેટો શિંગડા ભરાઈ જવાથી ફસાઈ ગયો હતો. ઇબ્રાહિમે તેને પકડયો અને પોતાના પુત્રને બદલે દહનાર્પણ તરીકે ચઢાવ્યો. અને ઇબ્રાહિમનો પુત્ર બચી ગયો. 14 તેથી ઇબ્રાહિમે તે જગ્યાનું નામ “યહોવા-યિરેહ”[a] પાડયું. આજે પણ લોકો કહે છે, “આ પર્વત પર યહોવાને જોઇ શકાય છે.”

15 યહોવાના દૂતે આકાશમાંથી બીજી વાર ઇબ્રાહિમને સાદ કરીને કહ્યું. 16 દેવદૂતે કહ્યું, “યહોવાની આ વાણી છે: હું માંરી જાતના સમ લઉં છું કે, તેં આ કામ માંરે માંટે કર્યુ છે, અને તારા પુત્રને, તારા એકના એક પુત્રને મને બલિ ચઢાવતાં તું ખચકાયો નથી. 17 તેથી હું જરૂર તને આશીર્વાદ આપીશ. હું આકાશના તારા જેટલા, દરિયાકાંઠાની રેતી જેટલા તારા વંશજો વધારીશ. અને તારા વંશજો પોતાના દુશ્મનોને કબજે કરશે. 18 અને તારા વંશજો દ્વારા ધરતી પરની તમાંમ પ્રજા આશીર્વાદ પામશે, કારણ કે તેં માંરું કહ્યું માંન્યું છે અને તે પ્રમાંણે કર્યુ છે.”

19 પછી ઇબ્રાહિમ પોતાના નોકરો પાસે પાછો આવ્યો. તેઓ સાથે મળીને બેર-શેબા ગયા અને ઇબ્રાહિમ બેર-શેબામાં જ રહ્યો.

20 ત્યારબાદ ઇબ્રાહિમને ખબર મળી કે, “તારા ભાઈ નાહોરથી મિલ્કાહને પણ બાળકો થયા છે. 21 સૌથી મોટો પુત્ર ઉસ, તેનો ભાઈ બૂઝ, અરામનો પિતા કમુએલ. 22 કેસેદ, હઝો, પિલ્દાશ, યિદલાફ અને બથુએલ.” 23 બથુએલ રિબકાનો પિતા હતો. ઇબ્રાહિમના ભાઈ નાહોરથી મિલ્કાહને આ આઠ સંતાનો થયા. 24 આ ઉપરાંત તેની રઉમાંહ નામની દાસીને ટેબાહ, ગાહામ, તાહાશ અને માંઆકાહ જન્મ્યા.

લોકો દુષ્ટ થઈ ગયા

6 પૃથ્વી પર મનુષ્યોની વસતી વધતી ગઈ. અને તેમને ત્યાં પુત્રીઓ જન્મી. જયારે દેવના દીકરાઓએ જોયું કે, આ કન્યાઓ સુંદર છે એટલે તેઓએ તેમની ઈચ્છા પ્રમાંણે તેઓની સાથે લગ્ન કર્યા. 2-4 અને આ સ્ત્રીઓએ બાળકોને જન્મ આપ્યા.

તે સમય દરમ્યાન અને તે પછી પણ પૃથ્વી પર નેફિલિમ વસતા હતા. તેઓ દેવના પુત્રો અને માંનવોની પુત્રીઓના જાતિય સંબંધથી જન્મ્યા હતા. તેઓ પ્રાચીનકાળના વિખ્યાત પુરુષો હતા.

ત્યારે યહોવાએ કહ્યું, “માંરા આત્માંને હું કાયમ માંટે મનુષ્યો દ્વારા દુ:ખી નહિ થવા દઉં, કારણકે તેઓ આખરે તો મનુષ્યો જ છે. તેઓનું આયુષ્ય 120 વર્ષનું થશે.”

યહોવાએ જોયું કે, પૃથ્વી પરના લોકો બહુ જ દુષ્ટ છે. યહોવાએ જોયું કે, સતત મનુષ્ય માંત્ર વાતો જ વિચારે છે. ત્યારે પૃથ્વી પર મનુષ્યોને ઉત્પન્ન કરવા માંટે તેમને ખૂબ દુ:ખ થયું. અને પસ્તાવો થયો. આથી યહોવાએ કહ્યું, “મેં બનાવેલ પૃથ્વીના બધાં જ લોકોનો હું વિનાશ કરીશ. હું પ્રત્યેક વ્યકિત, પ્રાણી અને પૃથ્વી પર પેટે ચાલવાવાળા પ્રત્યેક પ્રાણીઓનો નાશ કરીશ. હું આકાશમાં ઊડનારાં પક્ષીઓનો પણ નાશ કરીશ. કારણ કે મને એ બાબતનું દુ:ખ છે કે, મેં આ બધું શા માંટે બનાવ્યું?”

પરંતુ પૃથ્વી પર યહોવાને પ્રસન્ન કરવાવાળી એક વ્યકિત હતી અને તેનું નામ નૂહ હતું.

નૂહ અને જળપ્રલય

નૂહના પરિવારની આ કથા છે. આખું જીવન નૂહ દેવને અનુસર્યો. તેના સમયમાં નૂહ એક પ્રામાંણીક માંણસ હતો. 10 નૂહને ત્રણ પુત્રો હતા: શેમ, હામ અને યાફેથ.

11-12 દેવે પૃથ્વી પર નજર કરી અને તેમણે જોયું કે, લોકોએ પૃથ્વીને ભ્રષ્ટ કરી દીધી છે. પ્રત્યેક જગ્યાએ ઉત્પાત દેખાતો હતો. લોકો પાપી અને દુરાચારી થઈ ગયા હતા. અને તેઓએ પૃથ્વી પર પોતાનું જીવન નષ્ટ કરી નાખ્યું હતું.

13 આથી દેવે નૂહને કહ્યું, “બધાં માંણસોએ પૃથ્વીને ક્રોધ અને હિંસાથી ભરી દીધી છે તેથી હું બધાં જ જીવિત પ્રાણીઓનો નાશ કરીશ. હું તેઓને પૃથ્વી પરથી દૂર કરીશ. 14 તું તારા માંટે દેવદારના લાકડાનું એક વહાણ બનાવજે; તેમાં ઓરડીઓ બનાવજે. અને તેની અંદર અને બહાર ડામર ચોપડજે.

15 “હું જે વહાણ બનાવડાવવા ઈચ્છું છું તેનું માંપ, લંબાઈ 300 હાથ, પહોળાઈ 50 હાથ અને ઊંચાઈ 30 હાથ રાખજે. 16 વહાણમાંથી 18 ઇંચ નીચે એક બારી રાખજે, અને વહાણની એક બાજુએ બારણું રાખજે. વહાણમાં ત્રણ માંળ રાખજે: નીચલો, વચલો અને ઉપલો.

17 “હું તને જે કહી રહ્યો છું તે તું સમજ. હું આકાશ નીચેનાં બધાં જ પ્રાણીઓનો અને જીવોનો નાશ કરવા માંટે પૃથ્વી પર જળપ્રલય લાવનાર છું. આકાશની નીચેના તમાંમ જીવોનો હું નાશ કરીશ. પૃથ્વી પરનાં બધાં જ જીવો મરી જશે. 18 પણ હું તારી સાથે એક વિશિષ્ટ કરાર કરીશ. તારા પુત્રો, તારી પત્ની, અને તારા પુત્રોની પત્નીઓ પણ તારી સાથે વહાણમાં આવશે. 19 વળી તારી સાથે દરેક જાતનાં પ્રાણીઓમાંથી બબ્બેને તું વહાણમાં લઈને આવજે એક નર અને એક માંદા. જેથી તેઓ તારી સાથે જીવતાં રહે. 20 પૃથ્વી પરના દરેક જાતના પક્ષીઓના જોડા પણ શોધો. અને દરેક જાતનાં પશુઓમાંથી તથા પેટે ચાલનારાં પ્રત્યેક જોડાંને પણ શોધો. પૃથ્વી પરના પ્રત્યેક પ્રકારના પ્રાણીઓના જોડામાં નર અને માંદા તમાંરી સાથે હશે. વહાણમાં તેઓને જીવતાં રાખવાં. 21 પૃથ્વી પરના તમાંમ પ્રકારનાં ખોરાકને પણ વહાણમાં લાવજે. એ ખોરાક તમને અને અન્ય પ્રાણીઓને ખાવા ચાલશે.”

22 નૂહે આ બધું જ કર્યું. નૂહે દેવની બધી જ આજ્ઞાઓનું પાલન કર્યું.

જળપ્રલયનો આરંભ

7 પછી યહોવાએ નૂહને કહ્યું, “મેં જોયું છે કે, આ સમયે પાપી લોકોમાં તું જ એક ન્યાયી વ્યકિત છે એટલે તું તારા પરિવારને ભેગો કર. અને તમે બધા વહાણમાં જાઓ. પ્રત્યેક શુદ્ધ પ્રાણીઓની સાત સાત જોડ (સાત નર અને સાત માંદા) સાથે લઈ લો અને પૃથ્વીના બીજા અશુદ્વ પ્રાણીઓની એક એક જોડ જેમાં એક નર અને એક માંદા હોય તે લઈ લો. હવામાં ઉડનારાં બધાં જ પક્ષીઓની સાત જોડ (સાત નર અને સાત માંદા) લઈ આવો. આથી આ બધાં જ પ્રાણીઓ પૃથ્વી પર જીવતા રહેશે. જયારે બીજા પ્રાણીઓ નાશ પામશે. હવે હું સાત દિવસ પછી 40 દિવસ અને 40 રાત પૃથ્વી પર વરસાદ વરસાવીશ. અને મેં ઉત્પન્ન કરેલ એક એક જીવને હું પૃથ્વી પરથી ભૂંસી નાખીશ.” અને નૂહે યહોવાની બધી જ વાતો સ્વીકારી અને યહોવાની આજ્ઞા પ્રમાંણે કર્યું.

પૃથ્વી પર જળપ્રલય થયો, ત્યારે નૂહને 600 વર્ષ થયાં હતાં. નૂહ અને તેનો પરિવાર જળપ્રલયથી બચવા માંટે વહાણમાં ચાલ્યા ગયાં. નૂહની પત્ની, તેના પુત્રો અને પુત્રવધૂઓ તેમની સાથે હતાં. 8-9 દેવની નૂહને આજ્ઞા પ્રમાંણે, શુધ્ધ પ્રાણીઓ અને અશુધ્ધ પ્રાણીઓ અને પક્ષીઓ તથા પેટે ચાલનારા પ્રાણીઓએ દરેકમાંથી બે નર અને બે માંદા વહાણમાં નૂહ સાથે ચઢી ગયાં. 10 સાત દિવસ પછી પ્રલયનાં પાણી પૃથ્વી પર ફરી વળ્યાં. ધરતી પર વર્ષા થઈ.

11-13 બીજા મહિનાના સત્તરમાં દિવસે જયારે નૂહ 600 વર્ષની ઉમરનો હતો, જમીનમાંથી પાતાળના ઝરણાંઓ ફૂટી નીકળ્યાં. અને જમીનમાંથી પાણી વહેવા માંડયું. તે દિવસે પૃથ્વી પર ભારે વર્ષા થઈ. જાણે કે, આકાશની બારીઓ ઉઘડી ગઈ. 40 દિવસ અને 40 રાત સુધી પૃથ્વી પર વરસાદ વરસતો રહ્યો. બરાબર તે જ દિવસે નૂહ તેની પત્ની, તેના પુત્રો, શેમ, હામ, અને યાફેથ અને તેમની પત્નીઓ વહાણમાં ગયાં. 14 તેઓ તેમજ દરેક જાતનાં પૃથ્વી પરનાં પ્રાણીઓ વહાણમાં હતાં. દરેક જાતના પશુ, દરેક જાતનાં પેટે ચાલનારાં પ્રાણીઓ અને દરેક જાતનાં પક્ષી તેમજ પાંખવાળા જીવો વહાણમાં ચઢી ગયાં હતાં. 15 તે બધાં જ પ્રાણીઓ નૂહની સાથે વહાણમાં ગયાં હતા, દરેક પ્રકારના જીવિત જાનવરોનાં તે જોડાં હતાં. 16 દેવની આજ્ઞા પ્રમાંણે બધાં જ પ્રાણીઓ જોડીમાં વહાણમાં ચઢી ગયા. તેઓના વહાણમાં આવી ગયા બાદ યહોવાએ તેની પાછળનો દરવાજો બંધ કરી દીધા.

17 ચાળીસ દિવસ સુધી પૃથ્વી પર જળપ્રલય ચાલુ રહ્યો. પાણી વધતાં ગયાં. અને વહાણ પૃથ્વીથી અધ્ધર ઊંચકાવા લાગ્યું. 18 પાણી ચઢતાં જ ગયા અને ખૂબ વધી ગયા, અને વહાણ પાણી ઉપર તરવા લાગ્યું. 19 પાણી પૃથ્વી પર એટલા બધાં ચઢયાં કે, આકાશ નીચેના બધાં જ ઊંચા પર્વતો ઢંકાઈ ગયા. 20 અને પાણી વધીને ઉંચામાં ઉંચા પર્વતોથી ઉપર 20 ફૂટ ચઢી ગયાં હતાં.

21-22 પૃથ્વી પરના બધાં જ જીવો મરી ગયા. દરેક પુરુષ અને સ્ત્રી મરી ગયાં. બધાં જ પક્ષીઓ અને બધી જ જાતનાં પ્રાણીઓ પણ મરી ગયાં. 23 આ રીતે દેવે પૃથ્વી પરના બધાંજ જીવિત, મનુષ્ય, બધાં જ પ્રાણી, બધાં જ પેટે ચાલનારાં જીવો અને બધાં જ પક્ષીઓનો નાશ કર્યો. એ બધાં જ પૃથ્વી પરથી ભૂંસાઈ ગયાં. માંત્ર નૂહ અને તેની સાથે વહાણમાં જેઓ હતાં તેઓ જ બચ્યા. 24 અને 150 દિવસ સુધી જમીન લગાતાર પાણીથી ઢંકાયેલી રહી.

જળપ્રલયનો અંત

8 પરંતુ દેવ નૂહને ભૂલ્યા નહિ. દેવે નૂહ અને વહાણમાં તેની સાથે રહેનારાં બધાં જ પશુઓ અને પ્રાણીઓને યાદ રાખ્યા. દેવે પૃથ્વી પર પવન વહેતો કર્યો અને પાણી ઊતરી ગયાં.

આકાશમાંથી વરસતો વરસાદ બંધ થઈ ગયો. અને જમીનમાંથી નીચેથી વહેતાં પાણી પણ બંધ થઈ ગયાં. પૃથ્વીને ડૂબાડનારાં પાણી પણ બરાબર પાછા હઠવાં લાગ્યાં. 150 દિવસ પછી પાણી ઓસરી ગયાં અને વહાણ પાછું જમીન પર આવી ગયું. સાતમાં મહિનાના સત્તરમેં દિવસે વહાણ અરારાટના પર્વતો પર સ્થિર થઈ ગયું. દશમાં મહિના સુધી પાણી ઓસરતાં ગયાં અને દશમાં મહિનાના પહેલા દિવસે પર્વતોનાં શિખરો દેખાવા લાગ્યાં.

વહાણમાં બનાવેલી બારીઓ નૂહે 40 દિવસ પછી ઉઘાડી. અને નૂહે એક કાગડાને બહાર ઉડાડી મૂકયો. તે કાગડો જમીન પૂરી ન સુકાઈ ત્યાં સુધી આવજા કરતો રહ્યો. ત્યારપછી નૂહે પૃથ્વી પરથી પાણી ઉતરી ગયાં છે કે, કેમ તે જોવા માંટે એક કબૂતરને મોકલ્યું.

કબૂતરને કયાંય આરામ કરવાની જગ્યા મળી નહિ કારણકે પૃથ્વી પર હજુ પાણી પથરાયેલું હતું. તેથી તે નૂહની પાસે વહાણમાં ઉડીને પાછું ફર્યું. નૂહે હાથ લંબાવ્યો તેને પકડયું અને વહાણમાં પાછું લાવ્યો.

10 તેણે બીજા સાત દિવસ પછી ફરીથી પેલા કબૂતરને વહાણની બહાર મોકલ્યું. 11 તે દિવસે બપોરે તે કબૂતર તેની પાસે પાછું આવ્યું, ત્યારે તેની ચાંચમાં જૈતૂનનું તાજુ પાંદડું હતું. એટલે નૂહ સમજી ગયો કે, પાણી પૃથ્વી પરથી ઓસરી ગયાં છે. 12 નૂહે સાત દિવસ પછી ફરીવાર કબૂતરને બહાર મોકલ્યું, પણ તે પાછું આવ્યું નહિ.

13 તે પછી નૂહે વહાણના દરવાજા ઉઘાડયા. ને જોયું કે, ધરતી કોરી હતી. નૂહના આયુષ્યના 601 વર્ષમાં પહેલા મહિનાની પહેલી તારીખે પૃથ્વી પરથી પાણી સુકાઈ ગયાં. 14 બીજા મહિનાની 27મી તારીખે પૃથ્વી કોરી થઈ ગઈ.

15 ત્યારે દેવે નૂહને કહ્યું: 16 “હવે, વહાણને છોડો. તું, તારી પત્ની, તારા છોકરાઓ અને તારા છોકરાઓની પત્નીઓ સાથે વહાણમાંથી બહાર નીકળો. 17 તારી સાથે જે બધી જાતના જીવો, પંખીઓ અને પશુઓ તથા પૃથ્વી પર પેટે ચાલનારાં પ્રાણીઓ છે તે બધાંને પણ તારી સાથે બહાર લઈ આવ. જેથી તેઓ તેમનો વંશ વધારે અને પૃથ્વી પર વૃદ્વિ પામે.”

18 તેથી નૂહ, પોતાના પુત્રો, પત્ની, પુત્રવધૂઓ વગેરેની સાથે બહાર આવ્યો. 19 બધાં જ પ્રાણીઓ, બધાં જ પેટે ચાલનારા જીવો અને બધાં જ પક્ષીઓ વહાણ છોડી બહાર આવ્યાં. બધાં જ પ્રાણીઓ નર અને માંદાનાં જોડાંમાંજ બહાર આવ્યાં.

20 પછી નૂહે યહોવા માંટે એક વેદી બાંધી. તેણે કેટલાંક શુદ્ધ પક્ષીઓ અને કેટલાંક શુદ્ધ પ્રાણીઓમાંથી અમુક અમુક લઈને વેદી પર આહુતિ આપી.

21 યહોવા બલિની સુવાસથી પ્રસન્ન થયા તે મનોમન બોલી ઊઠયા કે, “મનુષ્ય નાનપણથી જ દુષ્ટ હોય છે, તેથી હું કદી મનુષ્યને કારણે ધરતીને શ્રાપ આપીશ નહિ, અને હું કદી પણ બધા જીવોનો અત્યારે કર્યો તેવો નાશ કરીશ નહિ. 22 જયાં સુધી આ પૃથ્વી રહેશે ત્યાં સુધી વાવણી અને લણણી, ઠંડી અને ગરમી, ઉનાળો અને શિયાળો અને દિવસ અને રાત ચાલુ જ રહેશે.”

નવો પ્રારંભ

9 પછી દેવે નૂહ અને તેના પુત્રોને આશીર્વાદ આપ્યા અને તેમને કહ્યું કે, બાળકો પેદા કરો, અને તમાંરા લોકોથી પૃથ્વીને ભરી દો. પૃથ્વી પરના બધા પ્રાણીઓ, આકાશમાં ઊડતાં બધાં પંખીઓ, જમીન પર પેટે ચાલનારા જીવો અને સમુદ્રમાંની બધી માંછલીઓ તમાંરા તાબામાં રહેશે અને તમાંરાથી બીશે. મેં તે બધાને તમાંરા હાથમાં સોંપ્યાં છે. ભૂતકાળમાં મેં તમને જેમ બધી લીલોતરી ખાવા માંટે આપી હતી, તેમ બધા જીવો પણ આપું છું; એકેએક જીવ તમાંરો ખોરાક બનશે. હું તમને જયાં સુધી તે પ્રાણીમાં જીવ (લોહી) હોય ત્યાં સુધી તેને ન ખાવા આજ્ઞા કરું છું. જો કોઈ તમાંરો પ્રાણ લેશે તો હું તેનો પ્રાણ લઈશ. પછી એ પશુ હોય કે, મનુષ્ય હોય; દરેક મનુષ્ય પાસે હું તેના માંનવબંધુના પ્રાણનો હિસાબ માંગીશ.

“દેવે મનુષ્યને પોતાના સ્વરૂપમાં બનાવ્યો છે
    તેથી જો કોઈ માંણસનું લોહી રેડશે, તો તેનું લોહી માંણસ રેડશે.

“અને હવે તમે સંતતિ પેદા કરો, વંશવેલો વધારો અને પૃથ્વી પર પુષ્કળ સંતાન પેદા કરો, વૃદ્વિ પામો.”

પછી દેવે નૂહ અને તેના પુત્રોને કહ્યું, “હવે હું તને અને તમાંરા વંશજોને વચન આપું છું. 10 હું તમાંરી સાથે અને તમાંરા વંશજો સાથે, અને તમાંરી સાથેના બધા જીવો સાથે-પક્ષીઓ, ઢોરો અને જંગલી પ્રાણીઓ-જે બધા તમાંરી સાથે વહાણમાંથી બહાર આવ્યાં છે તે બધાની સાથે કરાર કરું છું. 11 હું તમને વચન આપું છું કે, હવે પછી કદાપિ બધા જીવોનો જળપ્રલયથી નાશ નહિ થાય અને હવે પછી કદાપિ જળપ્રલય આવીને પૃથ્વીનો નાશ નહિ કરે.”

12 અને દેવે કહ્યું, “તમાંરી તથા તમાંરી સાથેના બધા જીવોની સાથે હું જે કરાર કાયમ માંટે કરું છું તેની આ એંધાણી છે. 13 મેં વાદળોમાં મેઘધનુષ્ય બનાવ્યું છે. અને તે માંરી અને પૃથ્વી વચ્ચે થયેલ કરારની એંધાણી બની રહેશે. 14 જયારે હું પૃથ્વી પર વાદળાં લાવીશ અને તે વાદળોમાં મેઘધનુષ્ય દેખાશે. 15 એટલે માંરી અને તમાંરી તથા બધી જાતનાં પ્રાણીઓ વચ્ચે જે કરાર થયો છે તેની મને યાદ આવશે. અને પાણી કદી પ્રલયનું રૂપ ધારણ કરી બધા જીવોનો વિનાશ નહિ કરે. 16 જયારે હું ધ્યાનથી વાદળોમાં મેઘધનુષ્યને જોઈશ ત્યારે મને માંરી અને પૃથ્વી પરના બધા જીવો વચ્ચેનો કાયમનો કરાર યાદ આવશે.”

17 આ રીતે યહોવાએ નૂહને કહ્યું, “માંરી અને પૃથ્વી પરનાં બધા જીવો વચ્ચે મેં જે કરાર કર્યો છે, તેની આ એંધાણી છે.”

સમસ્યાઓનો પુન:આરંભ

18 નૂહના પુત્રો તેમની સાથે વહાણમાંથી બહાર આવ્યા. તેમનાં નામ શેમ, હામ અને યાફેથ હતા. (હામ તો કનાનનો પિતા હતો.) 19 એ ત્રણેય નૂહના પુત્રો હતા. અને દુનિયાના બધાજ લોકો આ ત્રણથી જ પેદા થયા. (વંશવેલામાંથી)

નિર્દેશક માટે. ઢાળ: “પરોઢનું હરણ.” દાઉદનું ગીત.

હે મારા દેવ, તમે મને કેમ તજી દીધો છે?
    મારા દેવ, તમે શા માટે સહાય કરવાની ના પાડો છો?
    શા માટે મારો વિલાપ સાંભળતાં નથી?
હે મારા દેવ, દિવસ દરમ્યાન હું રૂદન કરૂં છું અને તમને પ્રાર્થના કરું છું,
    પરંતુ તમે મારી પ્રાર્થનાનો જવાબ દેતા નથી.
હું તમને આખી રાત દરમ્યાન સતત બોલાવું છું.

દેવ, તમે પવિત્ર છો.
    તમે ઇસ્રાએલના સ્તોત્ર પર બિરાજો છો.
અમારા પૂર્વજોએ તમારા પર ભરોસો રાખ્યો હતો.
    અને તેઓએ ભરોસો રાખ્યો હોવાથી તમે તેઓને છોડાવ્યા.
જ્યારે તેઓએ તમને પ્રાર્થના કરી, તમે તેમને મદદ કરી અને તેમને બચાવ્યાં.
    તેઓએ તમારામાં વિશ્વાસ રાખ્યો અને તેઓ નિરાશ થયા નહોતા.
હું માણસ નથી પણ માત્ર કીડો છુ.
    સમગ્ર માનવ જાત મારો તિરસ્કાર કરે છે.
    અને મને તુચ્છ ગણે છે.
જેઓ મને જુએ છે તેઓ બધા મારી હાંસી કરે છે.
    અને તેઓ મો મરડી-ડોકું ધુણાવી ને કડવી વાણી બોલે છે.
તેઓ મારી મશ્કરી કરતાં કહે છે,
    “તે જરૂર તને ઉગારશે કારણ
    તે તને ખૂબ પસંદ કરે છે.”

હે યહોવા, અગાઉ તમે મને કેવી મદદ કરી હતી.
    તમે મને માતાના ઉદરમાંથી સુરક્ષિત બહાર લાવ્યાં હતા.
હું જ્યારે મારી માતાને ધાવતો હતો
    ત્યારે પણ તમે મારી સંભાળ લઇને વિશ્વાસ જગાવ્યો હતો.
10 હું જન્મથી જ તમારા હાથમાં સોંપાયેલો છું.
    મારા બાળપણથી જ તમે મારા દેવ છો.
11 તમે મારાથી જરાય આઘા ખસશો નહિ કારણ મારા માથે સંકટ આવ્યુ છે.
    અને મને સહાય કરે તેવું મારી સાથે કોઇ નથી.
12 ઘણા ભયંકર શત્રુઓએ મને ઘેરી લીધો છે.
    બાશાનના આખલા, મારી ચારેબાજુએ ફરી વળ્યા છે.
13 જેમ ફાડી ખાનાર તથા ગર્જના કરતો સિંહ પોતાના શિકાર પર આક્રમણ કરે છે,
    તેમ તેઓ પોતાના મોં ખુલ્લા રાખીને મારી તરફ ધસી આવે છે.

14 જેમ પાણી વહી જાય તેમ,
    મારી શકિત પણ ચાલી ગઇ છે.
જેમ સાંધામાંથી હાડકાં ઢીલાઁ થઇ છૂટા પડી જાય છે,
    તેમ મારું હૃદય પણ મીણનાં જેવું પોચું થઇ મારાં આંતરડામાં ઓગળી ગયું છે.
15 મારું બળ માટીનાં વાસણના એક તુટેલા ટુકડાં જેવુ સુકું થઇ ગયું છે;
    મારી જીભ મારા મુખના તાળવે ચોંટી જાય છે;
    અને મને ધૂળભરી મૃત્યુશૈયા ઉપર નાખી દેવામા આવ્યો છે.
16 કારણ, મારી આસપાસ કૂતરાં ફરી વળ્યા છે;
    અને મને દુષ્ટોની ટોળીએ ઘેરી લીધો છે
    અને તેઓએ મારા હાથપગ વીંધી નાખ્યા છે.
17 હું મારા શરીરનાં સર્વ હાડકાં ગણી શકું છું.
    આ માણસો કેટલા દુષ્ટ અને ક્રૂર છે!
    તેઓ ધારી ધારી ને કેવા જુએ છે!
18 તેઓ મારા વસ્રો અંદરો અંદર વહેંચી લે છે
    અને મારા ઝભ્ભા માટે અંદરો અંદર ચિઠ્ઠી નાખે છે.

19 હે યહોવા, મારાથી દૂર ન જશો.
    હે દેવ! હે મારા આશ્રય; મારા સાર્મથ્ય, મારી મદદે આવો.
20 મને આ તરવારથી બચાવો,
    મારી રક્ષા કરી મારું મૂલ્યવાન જીવન પેલાં કૂતરાઓથી બચાવો.
21 મને સિંહોના જડબામાંથી બચાવો.
    તે બળદોના શિંગડાઓથી મારું રક્ષણ કરો.[a]

22 હું તમારા વિષે મારા બધા ભાઇઓને વાત કરીશ.
    હું ભરી સભામાં તમે કરેલી અદભૂત વસ્તુઓ વિષે વાત કરીશ.
23 હે યહોવાનો ભય રાખનારાઓ, તેમના ગુણગાન ગાઓ.
    તમે બધા યાકૂબના વંશજો, તેને માન આપો.
    હે ઇસ્રાએલી પરિવારો, તેમનો ભય રાખો.
24 તે ગરીબને જ્યારે મુસીબતો હોય
    ત્યારે કદી એમની અવગણના નથી કરતા.
તેઓ કદી તેમનું મુખ એમનાથી છુપાવતા નથી.
    તેઓ મદદ માટે તેમને પોકાર કરે છે ત્યારે તેઓ તેમને સાંભળે છે.

25 હું તમારી કૃપાથી મોટી મંડળીમાં તમારી સ્તુતિ કરું છું;
    સર્વ ભય રાખનારાઓની સામે, હા, હું મારી માનતા પૂરી કરીશ.
26 દરિદ્રીજનો ખાઇને તૃપ્ત થશે, જેઓ યહોવાને શોધે છે,
    તેઓ તેમની કૃપા પ્રાપ્ત કરશે, અને તેઓ હર્ષનાદ
    અને અવિનાશી આનંદથી તેમની સ્તુતિ કરશે.
27 ભલે દૂર દેશના લોકો યહોવાનું સ્મરણ કરે અને તેમની પાસે પાછા ફરે.
    ભલે રાષ્ટ્રોના બધા કુટુંબો નીચે નમીને યહોવાની ઉપાસના કરે.
28 કારણ, યહોવા રાજા છે,
    અને તે સર્વ પ્રજા ઉપર રાજ કરે છે.
29 બધા લોકો, જેઓ મજબૂત અને તંદુરસ્ત છે તેઓએ ખાધું છે
    અને યહોવા સમક્ષ નીચે નમ્યા છે.
હા, એ બધાં જેઓ મૃત્યુ પામવાની તૈયારીમાં છે અને તે
    પણ લોકો જેઓ અત્યાર સુધીમાં મરણ પામ્યા છે તે બધાં યહોવાની સામે નીચા નમશે.
30 યહોવાનાં અદ્ભુત કર્મો વિષે આવતી પેઢી પણ સાંભળશે,
    અને આપણાં સર્વ સંતાનો પણ તેમની સેવા કરશે.
31 આવનાર પેઢીઓ જે જન્મી નથી તેઓને પણ તેમનાં સર્વ ચમત્કાર વિષે પ્રગટ કરીને કહેશે.
    અને તેમનું ન્યાયીપણું પ્રગટ થશે.

દશ કુમારિકાઓની વાર્તા

25 “એ દિવસે આકાશનું રાજ્ય દશ કુમારિકાઓ પોતાના વરને મળવા મશાલ લઈને નીકળી હોય તેના જેવું હશે. એમાંથી પાંચ મૂર્ખ હતી. અને પાંચ વિચારશીલ હતી. મૂર્ખ કુમારિકાઓ જ્યારે પોતાની મશાલો લઈને આવી ત્યારે તેમની સાથે વધારાનું તેલ લીધું નહિ. વિચારશીલ કુમારિકાઓ પાસે તેમની મશાલો સાથે બરણીમાં વધારાનું તેલ હતું. વરને આવતાં ઘણી વાર લાગી એટલામાં બધીજ કુમારિકાઓ થાકી ગઈ અને ઊંઘવા લાગી.

“મધ્યરાત્રીએ કોઈકે જાહેરાત કરી કે, ‘વરરાજા આવી રહ્યો છે! તો ચાલો આપણે તેને મળવા જઈએ!’

“પછી બધી જ કુમારિકાઓ જાગી ગઈ ને પોતાની મશાલો તૈયાર કરી. પણ મૂર્ખ કુમારિકાઓએ વિચારશીલ કુમારિકાઓને કહ્યું: ‘અમને તમારું થોડું તેલ આપો. અમારી મશાલો હોલવાઈ જાય છે.’

“સમજુ કુમારિકાઓએ કહ્યું, ‘ના! કદાચ અમારી પાસે જે તેલ છે તે તમને તથા અમને પુરું નહિ પડે માટે તમે તેલ વેચનારા પાસે જાઓ અને પોતપોતાના માટે થોડું ખરીદી લાવો.’

10 “તેથી તે કુમારિકાઓ તેલ ખરીદવા ગઈ. એટલામાં વરરાજા આવી પહોંચ્યો. જે કુમારિકાઓ તૈયાર હતી, તેઓ તેની જોડે લગ્નનાં જમણમાં પહોંચી ગઈ અને પછી બારણાં બંધ કરવામાં આવ્યાં.

11 “પછી પેલી બીજી કુમારિકાઓ આવી અને બહાર ઊભી રહીને કહેવા લાગી, ‘સ્વામી, હે સ્વામી, બારણાં ઉઘાડો અને અમને અંદર આવવા દો.’

12 “પણ વરરાજાએ ઉત્તર આપ્યો, ‘હું તમને સત્ય કહું છું, હું તમને જાણતો નથી.’

13 “તેથી હંમેશા તૈયાર રહો, તમને ખબર નથી, માણસનો દીકરો ક્યા દિવસે અને ક્યા સમયે આવશે.

ત્રણ નોકરોની વાર્તા

14 “આકાશનું રાજ્ય એવી વ્યક્તિ જેવું છે કે કોઈ વ્યક્તિ બીજા દેશના પ્રવાસે જતી વખતે તેના નોકરોને બોલાવીને કહે છે કે આ મારી સંપત્તિ, હું જાઉ તે દરમ્યાન તમે સાચવજો. 15 તેણે એકને ચાંદીના સિક્કા ભરેલી પાંચ થેલીઓ આપી, બીજાને બે અને ત્રીજા ને એક, તેણે દરેકને તેમની શક્તિ અનુસાર આપી; પ્રવાસ કરવા ચાલી નીકળ્યો. 16 જેને ચાંદીના સિક્કાની પાંચ થેલીઓ આપી હતી તે ત્યાંથી ચાલી નીકળ્યો અને એણે તરત જ તે પૈસાનું બીજે રોકાણ કર્યુ. અને બીજી પાંચ થેલી કમાયો. 17 જેને બે થેલીઓ મળી હતી તેણે પણ બીજે રોકાણ કયું અને બે થેલી કમાઈ લીધી. 18 પણ જે નોકરને એક જ થેલી આપી હતી તે ગયો અને જમીનમાં ખાડો ખોદી પોતાના ધણીના પૈસાની થેલી જમીનમાં દાટી દીઘી.

19 “ઘણા સમય પછી તે ધણી પાછો આવ્યો અને નોકરોને પૂછયું કે તેઓએ તેના પૈસાનું શું કર્યુ. 20 જેને પાંચ થેલી આપવામાં આવી તેણે બીજી વધારાની પાંચ થેલી લાવી તેના ધણીને આપી અને કહ્યું, ‘તેં મારા પર વિશ્વાસ મૂક્યો તેથી તે પાંચ થેલીઓનો બીજી પાંચ થેલીઓ કમાવવા મેં ઉપયોગ કર્યો.’

21 “ધણીએ કહ્યું, ‘તું ખૂબ સારો વિશ્વાસ રાખવા લાયક નોકર છે. તેં થોડા પૈસાનો સારો ઉપયોગ કર્યો છે, તેથી હું તને આના કરતાં પણ વધારે વસ્તુ સાચવવા આપીશ. આવ, અને મારા સુખનો ભાગીદાર બન.’

22 “પછી જેને બે થેલીઓ આપવામાં આવી હતી, તે ધણી પાસે આવ્યો અને નોકરે કહ્યું, ‘ધણી તેં મને બે થેલી ભરેલા પૈસા આપ્યા હતા, મેં આ બંને થેલીના પૈસાનો ઉપયોગ કર્યો છે અને હું બીજી બે થેલીઓ વધારે કમાયો છું.’

23 “ધણીએ કહ્યું, ‘તેં બરાબર કર્યુ છે. તું ખૂબજ સારો નોકર છે અને તું વિશ્વાસ રાખવા લાયક છે. તેં થોડા પૈસાનો ખૂબ સારો ઉપયોગ કર્યો એટલે હું તને આનાં કરતા પણ વધારે અધિકાર આપીશ, આવ અને મારી સાથે સુખમાં ભાગીદાર થા.’

24 “પછી જેને એક થેલી આપવામાં આવી હતી, તે નોકર ધણી પાસે આવ્યો અને ધણીને કહ્યું, “હું જાણું છું કે તું ખૂબજ કડક માણસ છે. તેણે કહ્યું, ‘જ્યાં તેં નથી વાવ્યું ત્યાંથી પાક લણનાર, અને જ્યાં તેં નથી વેર્યુ, ત્યાંથી એકઠું કરનાર છે. 25 તેથી મને ખૂબજ બીક લાગી અને તારી પૈસાની થેલી લઈને હું ગયો અને જમીનમાં સંતાડી દીધી. તેં મને જે ચાંદીના સિક્કાની થેલી આપી હતી, તે પાછી લે.’

26 “ધણીએ કહ્યું, ‘તું દુષ્ટ અને આળસુ નોકર છે! તું કહે છે, જ્યાં મેં નથી વાવ્યું ત્યાંથી હું પાક લણું છું અને જ્યાં નથી વેર્યુ ત્યાંથી એકઠું કરું છું. 27 તો મારું ધન તેં બેન્કમાં કેમ ન મૂકયું? જો બેન્કમાં પૈસા મૂક્યાં હોત તો મને વ્યાજ સાથે પાછા મળત.’

28 “તેથી ઘણીએ બીજા નોકરોને કહ્યું આની પાસેથી પૈસાની એક થેલી લઈ લો અને જેની પાસે દશ થેલી છે તેને આપી દો. 29 દરેક વ્યક્તિની પોતાની પાસે જે છે તેનો તે યોગ્ય ઉપયોગ કરશે તો તેને વધુ આપવામાં આવશે. અને જેને તેની જરુંરિયાત છે તેનાથી પણ અધિક પ્રાપ્ત કરશે અને જેની પાસે છે, તેનો યોગ્ય ઉપયોગ નહિ કરે તો તેની પાસેથી બધું જ છીનવી લેવામાં આવશે. 30 તેથી ધણીએ કહ્યું, ‘આ નકામા નોકરને બહારના અંધકારમાં ફેંકી દો જ્યાં લોકોરૂદન કરે છે અને દાંત પીસે છે.’

માણસનો દીકરો બધા લોકોનો ન્યાય કરશે

31 “માણસનો દીકરો ફરીથી આવશે. તે ભવ્ય મહિમા સાથે તેના બધાજ દૂતો સાથે આવશે અને તે રાજા તરીકે મહિમાના રાજ્યાસન પર બીરાજશે. 32 વિશ્વના બધાજ લોકો માણસના દીકરાની આગળ ભેગા થશે. માણસનો દીકરો પછી બધાજ લોકોને બે ભાગમાં વહેંચી નાખશે. જેમ ઘેટાંપાળક ઘેંટા બકરાંને જુદા પાડે છે. 33 માણસનો દીકરો ઘેટાંને (સારા લોકો) પોતાની જમણી બાજુ મૂકશે અને બકરાંને (ખરાબ લોકો) ડાબી બાજુ રાખશે.

34 “પછી તે રાજા, જમણી બાજુ બેસનારા સારા માણસોને કહેશે, ‘આવો, મારા બાપના આશીર્વાદિતો આવો, અને જે રાજ્ય જગતનો પાયો નાખતા પહેલા તમારા માટે અગાઉથી જ તૈયાર કરવામાં આવ્યુ છે તે પ્રાપ્ત કરો. 35 તમને આ રાજ્ય મળ્યું છે કારણ હું ભૂખ્યો હતો ત્યારે તમે મને ખાવાનું આપ્યું હતું, તરસ્યો હતો ત્યારે તમે મને કાંઈક પીવા આપ્યું હતું. અને જ્યારે હું એકલો ભટકતો હતો ત્યારે તમે મને ઘેર બોલાવ્યો હતો. 36 હું વસ્ત્ર વગરનો હતો ત્યારે તમે મને કાંઈક પહેરવાં આપ્યું હતું. હું માંદો હતો ત્યારે તમે મારી ચાકરી કરી હતી, હું કારાવાસમાં હતો, ત્યારે તમે મને મળવા આવ્યા હતા.’

37 “પછી સારા માણસો ઉત્તર આપશે, ‘પ્રભુ, અમે ક્યારે તને ભૂખ્યો જોયો અને ભોજન આપ્યું? અમે ક્યારે તને તરસ્યો જોયો અને તને કાંઈક પીવા આપ્યું? 38 અમે તને ક્યારે એકલો જોયો અને ઘરથી દૂર ફરતા જોયો? અને અમે તને અમારે ઘેર ક્યારે બોલાવ્યો? અમે તને વસ્ત્ર વગર ક્યારે જોયો અને તને કોઈક વસ્ત્ર પહેરવા આપ્યું? 39 અમે તને ક્યારે માંદો જોયો? અમે તને ક્યારે કારાવાસમાં જોયો અને તારી મુલાકાત લીધી?’

40 “પછી રાજા ઉત્તર આપશે, ‘હું તમને સત્ય કહું છું. તમે મારા લોકોમાંના એકના માટે અહીં જે બધું કર્યુ તે બધું તમે મારા માટે જ કર્યુ.’

41 “પછી રાજા તેની ડાબી બાજુ બેઠેલા માણસોને કહેશે. ‘મારી પાસેથી જે અગ્નિ સદાને માટે સળગે છે ત્યાં ચાલ્યા જાઓ. તમે શ્રાપિત છો, શેતાન તથા તેના દૂતો માટે જે સર્વકાલિક અગ્નિ તૈયાર કરેલો છે તેમાં પડો અને, 42 આજ તમારી સજા છે. કારણ હું ભૂખ્યો હતો ત્યારે તમે મને કશું જ ખાવાનું આપ્યું નહોતું અને જ્યારે હું તરસ્યો હતો ત્યારે તમે મને કાંઈ પીવા આપ્યું નહોતું. 43 હું જ્યારે ઘરતી દૂર હતો અને ફરતો હતો, ત્યારે તમે મને ઘરમાં બોલાવ્યો નહોતો. વસ્ત્ર વગર નગ્ન હતો, પરંતુ તમે મને વસ્ત્ર પહેરવા આપ્યા નહોતા. હું બિમાર હતો અને કારાવાસ ભોગવતો હતો ત્યારે તમે મારી સેવા કરી નહોતી.’

44 “પછી લોકો પણ ઉત્તરમાં પૂછશે, ‘હે પ્રભુ, અમે તને ભૂખ્યો, તરસ્યો, એકલો, વસ્ત્ર વગર, બિમાર અથવા બંદી ક્યારે જોયો? અને અમે તને મદદ ના કરી?’

45 “પછી રાજા ઉત્તરમાં કહેશે, ‘હું તમને સત્ય કહું છું, કે તમે અહીં મારા લોકોમાંના કોઈને પણ ના પાડી તે મને ના પાડી બરાબર છે.’

46 “પછી તે દુષ્ટ માણસો ત્યાંથી ચાલ્યા જશે અને તેઓને સદાને માટે સજા થશે. અને પછી સારા લોકો અનંતજીવનમાં જતા રહેશે.”

ઈસુના અધિકાર પર યહૂદિનેતાઓની શંકા

23 ઈસુ મંદિરમાં દાખલ થયો અને જ્યારે બોધ આપતો હતો ત્યારે પ્રમુખ યાજકો અને લોકોના વડીલોએ તેની પાસે જઈને પૂછયું, “કયા અધિકારથી તું આ બાબતો કરે છે? તને આવો અધિકાર કોણે આપ્યો?”

24 ઈસુએ ઉત્તર આપ્યો, “હું તમને પણ એક પ્રશ્ન પૂછું છું, એનો ઉત્તર તમે મને આપશો, તો હું તમને કહીશ કે કયા અધિકારથી હું એ કામો કરું છું. 25 મને કહો: જ્યારે યોહાને લોકોને બાપ્તિસ્મા આપ્યું ત્યારે તે કોના તરફથી મળ્યું હતું, દેવથી કે માણસથી?”

તેઓ અંદર એકબીજા સાથે ચર્ચા કરવા લાગ્યા કે, “જો આપણે કહીશું, ‘યોહાનનું બાપ્તિસ્મા દેવ તરફથી હતું,’ તો ઈસુ આપણને પૂછશે, ‘તો તમે યોહાનમાં વિશ્વાસ કેમ નથી કરતા?’ 26 જો એમ કહીશું કે તે મનુષ્યથી હતું, તો એ લોકો આપણા પર ગુસ્સે થશે, આપણે લોકોથી ડરીએ છીએ એટલે આપણને કહેશે તમે યોહાનમાં શા માટે વિશ્વાસ કરતા નથી.”

27 તેઓએ ઈસુને ઉત્તર આપ્યો, “અમે નથી જાણતા કે યોહાનને અધિકાર ક્યાંથી મળ્યો.”

પછી ઈસુએ કહ્યું, “તો હું તમને કાંઈ જ નહિ કહું કે હું કયા અધિકારથી આ કરું છું!”

ઈસુ બે દીકરાઓની વાર્તા કહે છે

28 “સારું, બતાવો, હું કહું છું તે બાબતમાં તમે શું માનો છો? એક વ્યક્તિને બે દીકરા હતા, પહેલા દીકરાની પાસે જઈને તેણે કહ્યું, ‘આજે તું મારી દ્રાક્ષની વાડીમાં કામ કરવા જા.’

29 “પણ દીકરાએ ઉત્તર આપ્યો, ‘હું નહિ જાઉં.’ પછી એનું મન બદલાયું અને નક્કી કર્યુ કે તેણે જવું જોઈએ, અને તે ગયો.

30 “પછી તે પિતા બીજા છોકરા પાસે ગયો અને તેને કહ્યું, ‘દીકરા, મારી દ્રાક્ષની વાડીમાં જા અને ત્યાં ખેતરમાં કામ કર.’ દીકરાએ કહ્યું, ‘હા સાહેબ, હું જઈશ અને કામ કરીશ.’ પણ તે ગયો નહિ.”

31 ઈસુએ પૂછયું, “કયા દીકરાએ પિતાની આજ્ઞાનું પાલન કર્યુ?”

યહૂદિ નેતાએ કહ્યું, “પહેલા દીકરાએ.”

ઈસુએ તેમને કહ્યું, “હું તમને સત્ય કહું છું કે તમે એમ માનો છો કે કર ઉઘરાવનાર અને વેશ્યાઓ ખરાબ લોકો છે, પરંતુ તેઓ તમારા કરતા આકાશના રાજ્યમાં તમે યત્ન કરશો તેના કરતાં પહેલા પ્રવેશ કરશે. 32 યોહાન તમને સાચો માર્ગ બતાવવા આવ્યો પણ તમે યોહાનમાં વિશ્વાસ કર્યો નહિ. પણ કર ઉઘરાવનાર અને વેશ્યાઓ તેનામાં વિશ્વાસ કરે છે એમ તમે જુઓ છો છતાં પણ તમે હજી પણ પસ્તાવો કરતાં નથી કે નથી તેનામાં વિશ્વાસ કરતા.

દેવે તેના દીકરાને મોકલ્યો

33 “આ વાર્તા ધ્યાનથી સાંભળો: એક માણસ હતો તેનું પોતાનું ખેતર હતું તેમા તેણે દ્રાક્ષ વાવી અને તેની ચારે બાજુ એક દિવાલ ચણી હતી. દ્રાક્ષનો રસ કાઢવા કુંડ બનાવ્યો, એક બૂરજ બાંધ્યા પછી કેટલાક ખેડૂતોને તે વાડી ઈજારે આપીને તે પ્રવાસમાં ગયો. 34 દ્રાક્ષ ચૂંટવાનો સમય થયો એટલે તેના નોકરોને ખેડૂતો પાસેથી પોતાની દ્રાક્ષનો ભાગ લેવા મોકલ્યો.

35 “પણ ખેડૂતોએ આ નોકરોને પકડ્યા અને તેમાના એકને ખૂબ માર્યો. અને બીજા નોકરને મારી નાખ્યો. અને ત્રીજા નોકરને પણ પત્થર વડે મારી નાખ્યો. 36 તેથી તે માણસે બીજા નોકરોને ખેડૂત પાસે મોકલ્યો. તે માણસે પહેલા કરતાં વધુ નોકરોને મોકલ્યા તેમની સાથે પણ ખેડૂતોએ તેવું જ વર્તન કર્યુ. 37 એટલે માણસે પોતાના દીકરાને ખેડૂતો પાસે મોકલ્યો. તે માણસે કહ્યું, ‘ખેડૂતો મારા દીકરાને માન આપશે.’

38 “પણ જ્યારે ખેડૂતોએ ઘણીના દીકરાને જોયો ત્યારે તેઓ અંદર અંદર તેમનામાં વાતો કરવા લાગ્યા કે, ‘આજ તે ઘણીનો દીકરો છે, વારસ છે આ ખેતર તેનું છે માટે જો આપણે તેને પણ મારી નાખીએ તો આ ખેતર આપણું થઈ જશે!’ 39 તેથી ખેડૂતોએ છોકરાને પકડ્યો અને ખેતરની બહાર ફેંકી દીઘો અને તેને મારી નાખ્યો.

40 “આ ખેતરનો ઘણી આવશે ત્યારે એ ખેડૂતોને શું કરશે?”

41 યહૂદિઓના ધર્મગુરુંઓ અને આગેવાનોએ કહ્યું, “તે ચોક્કસ આ દુષ્ટ માણસોને મારી નાંખશે. અને બીજા ખેડૂતો જે તેમનો પાક થશે ત્યારે ભાગ આપશે તેવા ખેડૂતોને તે ખેતર ભાગે ખેડવા આપશે.”

42 ઈસુએ તેઓને કહ્યું, “શું તમે શાસ્ત્રમાં નથી વાંચ્યું?

‘બાંધનારાઓએ નકામો ગણીને પડતો મૂકેલો પથ્થર જ ખૂણાનો મુખ્ય પથ્થર બન્યો, એ પ્રભુથી બન્યું,
અને આપણી નજરમાં આશ્વર્યકારક છે.’

43 “એટલે જ હું તમને કહું છું કે દેવનું રાજ્ય તમારી પાસેથી લઈ લેવામાં આવશે. અને એવા લોકોને આપવામાં આવશે કે જેઓ દેવની ઈચ્છા પ્રમાણે રાજ્યોમાં ફળ આવશે. 44 જે મનુષ્ય આ પથ્થર પર પટકાશે તેના ટુકડેટુકડા થઈ જશે. અને એ પથ્થર જે વ્યક્તિ પર પડશે તેનો ભૂકો થઈ જશે.”

45 મુખ્ય યાજકો અને ફરોશીઓએ ઈસુ પાસેથી આ દૃષ્ટાંત સાંભળ્યું અને તેઓને લાગ્યું કે ઈસુ તેમના સબંધમાં જ કહે છે. 46 તેઓ ઈસુને પકડવાનો રસ્તો શોધતા હતા. પણ તેઓ લોકોથી ખૂબ ડરતા હતા, કારણ લોકો ઈસુને પ્રબોધક તરીકે માનતા હતા.

ભોજન માટે નિમંત્રણ આપેલ લોકો વિષે વાર્તા

22 ઈસુએ લોકોને સમજાવવા માટે બીજી દૃષ્ટાંત વાર્તાઓ કહીં: “આકાશનું રાજ્ય એક રાજા જેવું છે કે જેણે પોતાના દીકરાના લગ્ન પ્રસંગે ભોજન સમારંભ ગોઠવ્યો હોય. રાજાએ કેટલાક માણસોને ભોજન માટે નિમંત્રણ આપ્યું. ભોજન તૈયાર થયું એટલે રાજાએ જમવા માટે લોકોને બોલાવવા તેના નોકરોને મોકલ્યા પણ લોકોએ રાજાના સમારંભમાં આવવાની ના પાડી.

“પછી રાજાએ બીજા વધારે નોકરો મોકલ્યા, રાજાએ નોકરોને કહ્યું, ‘જે લોકોને નિમંત્રણ આપ્યું છે તેમને કહો કે ભોજન તૈયાર છે. મેં મારા સારામાં સારા બળદ અને વાછરડાંને મારીને ભોજન તૈયાર કર્યુ છે. બધુ જ તૈયાર છે માટે લગ્ન નિમિત્તેના ભોજનસમારંભમાં આવો.’

“નોકરો ગયા અને લોકોને ભોજન માટે આવવાનું કહ્યું, પણ લોકોએ નોકરોને સાંભળવાની ના પાડી દીઘી, તેઓ પોતાના બીજા કામે ચાલ્યા ગયા. એક પોતાના ખેતરમાં કામ કરવા ચાલ્યો ગયો. જ્યારે બીજો પોતાના ધંધા પર ચાલ્યો ગચો. થોડા બીજાઓએ નોકરોને પકડ્યા, તેમને માર્યા અને મારી નાંખ્યા. રાજા ખૂબ ગુસ્સે થયો અને રાજાએ તેનું લશ્કર મોકલ્યું. તેઓએ પેલા લોકોને મારી નાખ્યા. અને તેમના શહેરને બાળી નાખ્યું.

“પછી, રાજાએ તેના નોકરોને કહ્યું, ‘લગ્નો ભોજનસમારંભ તૈયાર છે, મેં જે લોકોને નિમંત્રણ આપ્યું છે તેઓ ભોજનસમારંભમાં આવવા માટે યોગ્ય ન હતા. તેથી હવે તમે શેરીઓના ખૂણેખૂણામાં જાઓ અને જે લોકોને જુઓ તે દરેકને લગ્ના ભોજનસમાંરભમાં આવવાનું કહો.’ 10 તેથી નોકરો શેરીઓમાં ગયા. તેઓને જે લોકો મળ્યા તે દરેક સારા નરસા માણસોને લગ્નના ભોજન સમારંભમાં બોલાવી લાવ્યા. આખો ભોજનખંડ માણસોથી ભરાઈ ગયો.

11 “પણ જ્યારે રાજા મહેમાનોને જોવા અંદર આવ્યો ત્યારે એક માણસ તેણે જોયો કે જેણે લગ્નને લાયક કપડા પહેર્યા નહોતાં. 12 રાજાએ તેને પૂછયું, ‘હે મિત્ર, લગ્ને લાયક વસ્ત્ર પહેર્યા વગર તું કેવી રીતે અહીંયાં આવ્યો?’ પણ પેલા માણસે કાંઈ ઉત્તર આપ્યો નહિ. 13 એટલે રાજાએ તેના નોકરોને કહ્યું, ‘આ માણસના હાથ અને પગ બાંધી દો અને તેને અંધારામાં ફેંકી દો જ્યાં લોકો રડશે અને દાંત પીસશે.’

14 “કેમકે આમંત્રિતો ઘણા છે પણ પસંદ કરાયેલા થોડા છે.”

ઈસુને પકડવાની કેટલાંક યહૂદિ આગેવાનોની ચાલ

15 પછી ફરોશીઓ ઈસુ જ્યાં ઉપદેશ આપતો હતો તે જગ્યા છોડી ચાલ્યા ગયા અને એક સભા બોલાવીને ઈસુને પ્રશ્નો દ્વારા ફસાવવાનું નક્કી કર્યુ. 16 તેથી ફરીશીઓએ કેટલાક માણસોને અને હેરોદીઓને ઈસુની પાસે મોકલ્યા. તેમણે ઈસુને પૂછયું, “ઉપદેશક, અમે જાણીએ છીએ કે, તું પ્રમાણિક છે અને કોઈની શેહશરમમાં આવ્યા વિના તું દેવના માર્ગ વિષે સાચું શિક્ષણ આપે છે. તારી પાસે બધાજ લોકો સરખા છે. 17 તો તું અમને કહે કે, કૈસરને કર આપવો તે શું ઉચિત છે? હા કે ના?”

18 ઈસુ એમનો ખરાબ વિચાર સમજી ગયા અને કહ્યું, “ઢોંગીઓ! તમે મને શા માટે ફસાવવા માંગો છો? 19 તમે જે સિક્કા દ્વારા કર ચૂકવો છો તે લાવીને મને બતાવો.” તેઓએ એક દીનાર લાવીને ઈસુને બતાવ્યો. 20 પછી ઈસુએ તેમને પૂછયું, “આ સિક્કા પર કોનું ચિત્ર છે? અને તેના ઉપર કોનું નામ લખેલું છે?”

21 પછી લોકોએ કહ્યું, “આના ઉપર કૈસરનું નામ છે અને તેનું જ ચિત્ર છે.”

એટલે ઈસુએ તેઓને કહ્યુ, “જે કૈસરનાં છે તે કૈસરને આપી દો અને જે દેવનું છે તે દેવને આપી દો.”

22 ઈસુની વાત સાંભળી બધા અચરત પામ્યા, અને ઈસુને છોડી ત્યાંથી ચાલ્યા ગયા.

ઈસુને પકડવાની કેટલાંક સદૂકીઓની ચાલ

23 એ જ દિવસે થોડાક સદૂકીઓ ઈસુ પાસે આવ્યા (લોકો મરણમાંથી ઊભા થશે તે સદૂકીઓ માનતા નહોતા) અને સદૂકીઓએ ઈસુને પૂછયું. 24 “ઉપદેશક, મૂસાએ કહ્યું છે કે, જો કોઈ માણસ નિ:સંતાન મરણ પામે તો તેના ભાઈએ તેની પત્ની સાથે પરણવું જોઈએ. જેથી તેઓ બાળકો મેળવી પોતાના ભાઈ માટે વંશ ઉપજાવે. 25 એક કુટુંબમાં સાત ભાઈઓ હતા. તેમાંના મોટા ભાઈએ લગ્ન કર્યુ અને નિ:સંતાન મરણ પામ્યો, તેથી પોતાની સ્ત્રીને બીજા ભાઈ પાસે તેડી ગયો. 26 આ બીજો ભાઈ પણ નિ:સંતાન મરણ પામ્યો. પછી પેલી સ્ત્રી ત્રીજા ભાઈની સાથે પરણી એમ સાતે ભાઈઓના સંબંધમાં આવું બન્યું. 27 સૌથી છેલ્લે તે સ્ત્રી પણ મરણ પામી. 28 આ સાતે માણસો તે સ્ત્રીને પરણ્યા, તો પછી હવે મૂએલાઓનાં પુનરુંત્થાનમાં, પેલા સાતમાંથી તે કોની પત્ની થશે?”

29 ઈસુએ કહ્યું, “ધર્મલેખો અને દેવનાં પરાક્રમ વિષેના તમારા અજ્ઞાનને કારણે એ તમે સમજી શકતા નથી. 30 તેઓ જ્યારે મરણમાંથી પુનરુંત્થાન પામશે, ત્યારે તે બધા આકાશમાંના દૂતો જેવા હશે અને લગ્રની વાત જ નહિ હોય. 31 શું પુનરુંત્થાનના સંબંધમાં દેવે તમને જે કહ્યું છે તે તમે વાંચ્યું છે? 32 દેવે કહ્યું, ‘હું ઈબ્રાહિમનો તથા ઈસહાકનો તથા યાકૂબનો દેવ છું.’ પણ તે મૂએલાઓનો દેવ નથી. પરંતુ જીવતા લોકોનો દેવ છે.”

33 ઈસુનો ઉત્તર સાંભળીને તે લોકો તેના ઉપદેશથી અચરત પામ્યા હતા.

સહુથી મોટી આજ્ઞા કઈ છે?

34 ફરોશીઓએ જાણ્યું કે ઈસુએ પોતાના ઉત્તરથી સદૂકીઓને બોલતા બંધ કરી દીઘા તેથી તેઓ એકત્ર થયા. 35 એક ફરોશી જે શાસ્ત્રી હતો. તેણે ઈસુને ફસાવવા એક પ્રશ્ર્ન પૂછયો. 36 “ઓ ઉપદેશક, નિયમશાસ્ત્રમાં સહુથી મોટી આજ્ઞા કઈ છે?”

37 ઈસુએ ઉત્તર આપ્યો, “‘પ્રભુ તારા દેવ પર, તું તારા પૂરા હૃદયથી, ને તારા પૂરા જીવથી અને તારા પૂરા મનથી પ્રીતી કર.’ 38 આ પહેલી અને સૌથી મોટી આજ્ઞા છે. 39 બીજી મોટી આજ્ઞા પણ એવી જ છે. ‘તું જેવો પ્રેમ તારા પર કરે છે તેવો જ પ્રેમ તારા પડોશી પર કર.’ 40 આખા નિયમશાસ્ત્ર અને પ્રબોધકોના લખાણોનો પાયો આ બે આજ્ઞાઓમાં સમાયેલો છે. આ બે આજ્ઞાઓને પાળશો તો તમે બીજી સર્વ આજ્ઞાઓ પાળશો.”

ઈસુનો ફરોશીઓને પ્રશ્ર

41 જ્યારે બધા ફરોશીઓ ભેગા થયા હતા ત્યારે, ઈસુએ તેઓને પ્રશ્ન પૂછયો. 42 ઈસુએ કહ્યું, “મસીહ વિષે તમે શું માનો છો? તે કોનો દીકરો છે?”

તેઓએ ઉત્તર આપ્યો, “તે દાઉદનો દીકરો છે.”

43 ઈસુએ તેઓને ફરીથી પ્રશ્ન કર્યો, “તો પછી પવિત્ર આત્માની પ્રેરણાથી દાઉદ તેને ‘પ્રભુ’ કેમ કહે છે.

44 ‘પ્રભુએ (દેવે) મારા પ્રભુને (ખ્રિસ્ત) કહ્યું કે:
જ્યાં સુધી તારા શત્રુંઓ તારા નિયંત્રણ હેઠળ છે;
    ત્યાં સુધી તું મારી જમણી બાજુ બેસ.’

45 દાઉદે તેને ખ્રિસ્ત પ્રભુ કહ્યો તો એ તેનો દીકરો કેવી રીતે હોઈ શકે?”

46 ઉત્તરમાં કોઈ કશું જ બોલી શક્યા નહિ. તે સમય પછી તેઓએ બીજા પ્રશ્નો પૂછવાની કોઈએ હિંમત કરી નહિ.

ઈસુ ધાર્મિક નેતાઓની ટીકા કરે છે

23 ઈસુએ પછી લોકોને અને તેના શિષ્યોને કહ્યું. ઈસુએ કહ્યું, “યહૂદિ શાસ્ત્રીઓને તથા ફરોશીઓને મૂસાનો ઉપદેશ તમને સમજાવવાનો અધિકાર છે. તેથી એ લોકો જે કહે તે પ્રમાણે વર્તજો અને તેમની આજ્ઞાનું પાલન કરજો. પરંતુ તે લોકો જે કરે છે તે પ્રમાણે તમે ન કરતા. હું એટલા માટે કહું છું કે, તેઓ જે ઉપદેશ આપે છે તે પ્રમાણે તેઓ પોતે વર્તતા નથી. તેઓ એવા કડક નિયમો બનાવે છે કે લોકોને પાળવા મુશ્કેલ પડે છે. તે બીજા લોકોને નિયમોનું પાલન કરવા અનુરોધ કરે છે પરંતુ તે લોકો તેમાંનો એક પણ નિયમ પાળવા પ્રયત્ન કરતા નથી.

“તેઓ સારા કામ એટલા માટે કરે છે કે લોકો તેઓને જુએ. તેઓ પવિત્ર દેખાવા માટે શાસ્ત્ર વચનોના શબ્દો સાથેની પેટીઓ લઈ લે છે અને સ્મરણપત્રોને પહોળા બનાવે છે અને પોતાના ઝભ્ભાની ઝૂલને લાંબી કરે છે જેથી લોકો તેમને ધર્માત્મા સમજે, જુએ. આવા ફરોશીઓ અને શાસ્ત્રીઓને જમણવારોમાં મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત કરવાનું ગમે છે અને સભાસ્થાનોમાં મુખ્ય સ્થાને બેસવાનુ ગમે છે. બજારમાં લોકો તેમને માન આપે તે તેમને ગમે છે અને લોકો તેમને ‘ગુરું’ કહીને બોલાવે તેવુ તે ઈચ્છે છે.

“પરંતુ તમે ‘ગુરું’ ન કહેવાઓ કારણ તમારો ગુરું તો એક જ છે અને તમે બધા તો ભાઈ બહેન છો. તમારામાંથી કોઈને પણ આ પૃથ્વી પર ‘પિતા’ ન કહો કારણ તમારો પિતા તો એક જ છે અને તે આકાશમાં છે. 10 તમે ‘સ્વામી’ પણ ન કહેવાઓ, કારણ તમારો સ્વામી તો ફક્ત એક જ છે અને તે માત્ર ખ્રિસ્ત, જે તમારા સ્વામી છે. 11 તમારામાં મહત્વપૂર્ણ વ્યક્તિ એ હશે કે જે તમારો સેવક બનશે. 12 જે પોતાની જાતને બીજા કરતા ઊંચો કરશે તેઓને નીચા કરવામાં આવશે. અને જેઓ પોતાને નીચો કરશે તેઓને ઊંચા કરવામાં આવશે.

13 “હે શાસ્ત્રીઓ અને ફરોશીઓ, તમને અફસોસ છે, તમે ઢોંગી છો, કારણ તમે આકાશના રાજ્યના દરવાજા લોકો માટે બંધ કરો છો. તમે પોતે આકાશના રાજ્યમાં પ્રવેશ કરતા નથી, અને જેઓ આકાશના રાજ્યમાં પ્રવેશ કરવા પ્રયત્ન કરે છે તેમને જવા દેતા નથી. [14 અરે, ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ; ઢોંગીઓ, તમને અફસોસ છે! કારણ કે તમે વિધવાઓની મિલકત હડપ કરી જાઓ છો અને ઢોંગ કરીને લાંબી પ્રાર્થનાઓ કરો છો તે માટે તમને સખત સજા થશે.]

15 “ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! તમારા માર્ગોને એક વ્યક્તિ અનુસરે માટે તમે સમુદ્ર તથા પૃથ્વી ફરી વળો છો; જ્યારે તમને તે વ્યક્તિ મળે છે ત્યારે તમે તેને પોતા કરતાં બમણો નરકનો દીકરો બનાવો છો!

16 “ઓ અંધ આગેવાનો તમારી કેવી દુર્દશા થશે? તમારો નિયમ છે કે ‘જો કોઈ પ્રભુ મંદિરના નામે સમ લે તો કાંઈ વાંધો નહિં, અને એ ના પાળે તો પણ ચાલે પણ મંદિરના સોનાના નામે સમ લે તો પછી તેણે તેના સમ પાળવા જોઈએ.’ 17 અરે ઓ અંધ મૂર્ખાઓ! વધારે મોટુ કયું, સોનું કે મંદિર? મંદિર મોટું છે કારણ એ મંદિરને લીધે સોનું પવિત્ર બન્યું છે.

18 “તમે એ પણ કહો છો, ‘કોઈ વેદીના સમ ખાય તો તે અગત્યનું નથી પરંતુ જો વેદી પર ચઢાવેલ વસ્તુના સમ ખાય તો તેણે તે સમ પાળવા જ જોઈએ.’ 19 અરે અંધજનો, કોણ મોટું, વેદી પર ચઢાવેલી વસ્તુ કે વેદી? જે અર્પણને પવિત્ર બનાવે છે? 20 તેથી જે કોઈ વેદીના સમ લે છે તે તેના તથા તેના પર મૂકેલ દરેક વસ્તુના સમ લે છે. 21 જે મંદિરના સમ લે છે તે તેની સાથે મંદિરમાં રહે છે તેના પણ સમ લે છે. 22 અને જે આકાશના સમ લે છે તે દેવના રાજ્યાસનની સાથે એ રાજ્યાસન પર બેસનારના પણ સમ લે છે.

23 “ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! તમે તમારી પાસે જે કાંઈ ફુદીનાનો, સૂવાનો, તથા જીરાનો દશમો ભાગ છે તે દેવને આપો છો. પરંતુ તમે વધારે નિયમશાસ્ત્રની મોટી વાતોનું પાલન કરતા નથી. તમે ન્યાયીકરણ, દયા અને વિશ્વાસની અવગણના કરો છો. તમારે આ બીજી બાબતોની ઉપેક્ષા કર્યા વિના તમારે આ બધાનું પાલન કરવું જોઈએ. 24 તમે લોકોને માર્ગદર્શન આપો છો, પણ તમે પોતે જ આંધળા છો! તમે તમારા પીણામાંથી માખી દૂર કરો છો પણ ઊંટને ગળી જાઓ છો.

25 “અરે ઢોંગી, યહૂદિ શાસ્ત્રીઓ અને ફરોશીઓ તમને અફસોસ છે! તમે તમારી વાટકીઓ, થાળીઓ બહારથી સાફ કરી રાખો છો, પરંતુ તમે તમારા પોતાના સંતોષ માટે લોકોને છેતરીને તેની અંદર જુલ્મ તથા અન્યાય ભરો છો. 26 ઓ આંધળા ફરોશી, પહેલા તું તારા થાળી વાટકા અંદરથી સાફ કર તો તેની સાથે સાથે વાસણ બહારથી પણ સ્વચ્છ થઈ જશે.

27 “અરે ઢોંગી, યહૂદિ શાસ્ત્રીઓ અને ફરોશીઓ તમને અફસોસ છે! કે તમે સફેદ ધોળેલી કબર જેવા છો. કારણ કે તે બહારથી સુંદર દેખાય છે પણ અંદરથી મરણ પામેલા લોકોનાં હાડકાઓ અને બધીજ જાતનો ગંદવાડ ભરેલો છે. 28 એવું જ તમારા માટે છે. લોકો તમને બહારથી જુએ છે તો તમે ન્યાયી જેવા દેખાવ છો. પણ અંદરથી તો તમે ઢોંગથી ભરેલા દુષ્ટ છો.

29 “અરે ઢોંગી, યહૂદિ શાસ્ત્રી અને ફરોશીઓ, તમને અફસોસ છે! કે તમે પ્રબોધકો માટે કબરો બનાવો છો અને ન્યાયી લોકોની કબરો શણગારો છો. 30 અને કહો છો, ‘જો પૂર્વજોના સમયમાં અમે હોત તો આ પ્રબોધકોને મારી નાખવા જરાપણ મદદ ન કરી હોત.’ 31 એટલે તમે એ સ્વીકારો છો કે જે લોકોએ પ્રબોધકોને મારી નાખ્યા છે તેમના જ તમે સંતાનો છો. 32 તેઓના પગલે ચાલીને અને તમારા બાપદાદાઓનાં પાપ પૂરા કરશો!

33 “ઓ સર્પો! સર્પોના વંશ! તમે નરકના દંડમાંથી કેવી રીતે બચી શકશો! 34 આથી હું તમારી પાસે પ્રબોધકને તથા જ્ઞાનીઓ તથા શાસ્ત્રીઓને મોકલું છું. તેઓમાંના કેટલાકને તમે વધસ્તંભે જડશો અને કેટલાકને મારી નાખશો. કેટલાકને તમે તમારા સભાસ્થાનોમાં કોરડા મારશો અને ગામેગામ તેઓની પાછળ પડશો.

35 “તેથી તમે પૃથ્વી પર સારી વ્યક્તિઓને મારી નાખવા માટે ગુનેગાર ઠરશો, ન્યાયી હાબેલને મારી નાખવામાં આવ્યો. તેનાથી માંડી બેરખ્યાના દીકરા ઝખાર્યાને મંદિરની તથા હોમવેદીની વચ્ચે મારી નાખવામાં આવ્યો. તેથી હાબેલ અને ઝખાર્યાના સમયમાં જે બધા સારા લોકો રહેતા હતા તેના મરણ માટે તમે ગુનેગાર છો. 36 હું તમને સાચે જ કહું છું. આ બધી વસ્તુઓ માટે આ પેઢીના લોકોને ભોગવવું જ પડશે.

યરૂશાલેમના લોકો પર ઈસુનો ખેદ

37 “ઓ યરૂશાલેમ, યરૂશાલેમ! પ્રબોધકોને મારી નાખનાર અને દેવના પ્રેરિતોને પથ્થરોથી મારી નાખનાર, હું ઘણીવાર તમારાં બાળકોને ભેગા કરવા ઈચ્છતો હતો, જેમ મરઘી પોતાના બચ્ચોઓને પાંખો તળે એકઠાં કરે છે, પણ તમે એવું ઈચ્છયું નહિ. 38 હવે તારું મંદિર પૂરેપૂરું ઉજજડ થઈ જશે. 39 હું તને કહું છું, ‘પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે’ એવું તમે નહિ કહો ત્યાં સુધી તમે મને ફરી કદી જોશો નહિ.”

ઈસુએ આ વાતો કહી રહ્યાં પછી તેણે આકાશ તરફ જોયું. ઈસુએ પ્રાર્થના કરી, “પિતા, સમય આવ્યો છે. તારા દીકરાને મહિમાવાન કર. જેથી દીકરો તને મહિમાવાન કરે. તેં દીકરાને સર્વ લોકો પર અધિકાર આપ્યો છે. જેથી દીકરો તે બધા લોકોને અનંતજીવન બક્ષે. જે તેં તેને આપ્યું છે. અને આ અનંતજીવન છે કે માણસો તને ઓળખી શકે, ફક્ત ખરા દેવ, અને તે માણસો ઈસુ ખ્રિસ્તને ઓળખી શકે. જેને તેં મોકલ્યો છે. તેં મને જે કરવાનું સોંપ્યું છે તે કામ મે પૂરું કર્યુ છે. મેં તેને પૃથ્વી પર મહિમાવાન કર્યો છે. અને હવે, હે પિતા, તારી સાથે મને મહિમાવાન કર. જગતની શરુંઆત થતાં પહેલાં તારી સાથે મારો જે મહિમા હતો તે મને આપ.”

“તેં મને જગતમાંથી કેટલાક માણસો આપ્યા. મેં તેઓને તું કોના જેવો છે તે બતાવ્યું છે. તે માણસો તારા હતા. અને તેં મને તેઓ આપ્યા છે. તેઓએ તારા ઉપદેશનું પાલન કર્યુ છે. હવે તેઓ જાણે છે કે તેં મને આપેલી દરેક વસ્તુ તારી પાસેથી આવે છે. તેં મને જે વચનો આપ્યા છે તે મેં તેઓને આપ્યા. તેઓએ તે વચનોને સ્વીકાર્યા. તેઓ જાણે છે કે હું તારી પાસેથી આવ્યો છું અને તેઓને વિશ્વાસ છે કે તેં મને મોકલ્યો છે. હમણા હું તેઓને માટે પ્રાર્થના કરું છું. હું જગતના લોકો માટે પ્રાર્થના કરતો નથી. પણ તેં મને જે લોકો આપ્યાં છે તેઓને માટે હું પ્રાર્થના કરું છું, કારણ કે તેઓ તારાં છે. 10 મારી પાસે જે બધા છે તે તારાં છે, અને તારી પાસે જે બધા છે તે મારાં છે, અને આ માણસો મારો મહિમા લાવે છે.

11 “હવે હું તારી પાસે આવું છું. હવે હું આ જગતમાં રહીશ નહિ. પણ આ માણસો હજુ પણ આ દુનિયામાં છે. પવિત્ર પિતા તેઓને સલામત રાખે છે. તારા નામના અધિકારથી સલામત રાખે છે (જે નામ તેં મને આપેલું છે.), તેથી તેઓ એક થશે, જેમ તું અને હું એક છીએ. 12 જ્યારે હું તેઓની સાથે હતો, મેં તેઓને સલામત રાખ્યાં. મેં તારા નામની સત્તાથી તેઓને સલામત રાખ્યાં-જે નામ તેં મને આપ્યું છે. મેં તેઓનું રક્ષણ કર્યુ છે. અને તેઓમાંનો માત્ર એક ખોવાયો હતો. જે માણસ પસંદ કરાયેલ ન હતો. તે ખોવાયો હતો. શાસ્ત્રલેખમાં જે કહ્યું છે તે બની શકે.

13 “હું હમણા તારી પાસે આવું છું. પણ હું આ વસ્તુઓ માટે પ્રાર્થના કરું છું ત્યારે પણ હું હજુ જગતમાં છું. હું આ વસ્તુઓ કહું છું તેથી આ માણસો મારો આનંદ પ્રાપ્ત કરી શકે. હું ઈચ્છું છું કે મારો બધો આનંદ તેઓની પાસે હોય. 14 તેઓને તારો ઉપદેશ આપ્યો છે અને જગતે તેઓને તિરસ્કાર કર્યો છે, કારણ કે તેઓ આ દુનિયાના નથી. જેમ હું આ દુનિયાનો નથી.

15 “હું તને તેઓને આ દુનિયામાંથી બહાર લઈ જવાનું કહેતો નથી. પણ હું તને દુષ્ટ પાપમાંથી (શેતાનથી) તેઓને સલામત રાખવાનું કહું છું. 16 તેઓ આ જગતના નથી, તે જ રીતે હું આ જગતનો નથી. 17 તારા સત્ય દ્વારા તારી સેવા માટે તૈયાર કર. તારું વચન સત્ય છે. 18 મેં તેઓને જગતમાં મોકલ્યા છે. જે રીતે તેં મને જગતમાં મોકલ્યો છે. 19 હું મારી જાતને સેવા માટે તૈયાર કરું છું. હું તેઓના માટે આ કરું છું. જેથી કરીને તેઓ ખરેખર તારી સેવા માટે તૈયાર થઈ શકે.

20 “હું આ માણસો માટે પ્રાર્થના કરું છું. હું પણ તે બધા લોકો માટે પ્રાર્થના કરું છું. આ બધા લોકોના વચનના કારણે તેઓ મારામાં વિશ્વાસ કરશે. 21 પિતા, હું પ્રાર્થના કરું છું કે જે બધા લોકો મારામાં વિશ્વાસ કરે છે તેઓ એક બને. તું મારામાં છે અને હું તારામાં છું. હું પ્રાર્થના કરું છું કે આ બધા લોકો પણ આપણમાં એક થાય. તેથી જગત વિશ્વાસ કરશે કે તેં મને મોકલ્યો છે. 22 મેં આ લોકોને તેં મને જે મહિમા આપ્યો હતો તે મેં આપ્યો જેથી આપણે જેમ એક છીએ તે પ્રમાણે તેઓ પણ એક થાય. 23 હું તેઓમાં હોઈશ અને તું મારામાં હોઈશ. તેથી તેઓ સંપૂર્ણ રીતે એક થશે. પછી જગત જાણશે કે તેં મને મોકલ્યો છે અને જગત જાણશે કે તેં આ લોકોને પ્રેમ કર્યો હતો. જેમ તેં મને પ્રેમ કર્યો હતો.

24 “પિતા, હું ઈચ્છું છું કે હું જે દરેક જગ્યાએ છું ત્યાં તેં મને જેઓને આપ્યાં છે તેઓ મારી સાથે રહે. હું ઈચ્છું છું કે તેઓ મારો મહિમા જુએ. આ મહિમા તેં મને આપેલો છે. કારણ કે જગતની ઉત્પત્તિ થતાં પહેલા તેં મને પ્રેમ કર્યો છે. 25 પિતા, તું એક જે ન્યાયી છે. જગત તને જાણતું નથી. પણ હું તને જાણું છું. અને આ લોકો જાણે છે કે તેં મને મોકલ્યો છે. 26 મેં તેઓને બતાવ્યું છે કે તું કોના જેવો છે. અને ફરીથી હું તેઓને બતાવીશ તું કોના જેવો છે. પછી તેઓને એજ પ્રેમ મળશે જેવો તને મારા માટે છે. અને હું તેઓનામાં રહીશ.”

જ્હોન 17