દિવાળી અને પ્રભુ ઈસુ

સૌપ્રથમ દિવાળીને એકદમ નજદીકથી જોવાનો લ્હાવો હું જયારે ભારતમાં કામ કરતો હતો ત્યારે મળ્યો હતો. હું અહીં એક મહિના માટે જ આવ્યો હતો અને હું જ્યાં રહેતો હતો ત્યાં ચારેબાજુ દિવાળી ધૂમધામથી ઉજવાતી હતી. મને સૌથી વધારે યાદ છે એ તો ફટાકડા – હવા ધુમાડાથી ભારે થઈ જતી, મને આંખોમાં પણ થોડી બળતરા થતી. પરંતુ ખુબ મજા અને આવેશ સાથે ઉજવાતી દિવાળી વિશે હું જાણવા માંગતો હતો કે આ શાનું પર્વ છે અને આ ઉજવણીનો શું અર્થ છે. હું તો બસ દિવાળીના પ્રેમમાં જ પડી ગયો હતો.

આ ‘જ્યોતીઓના પર્વ’ એ મને પ્રેરણા આપી કેમ કે હું ઈસુ સત્સંગ જેને પ્રભુ ઈસુ કહેવાય તેનો વિશ્વાસી અને અનુયાયી  છું, અને તેમના શિક્ષણનો મુખ્ય સંદેશ તો એ છે કે તેમનો પ્રકાશ આપણી અંદરના અંધકારને દૂર કરે છે. તેથી દિવાળી અને પ્રભુ ઈસુ વચ્ચે એક ખાસ સબંધ છે.

મોટાભાગના લોકો એ સ્વીકારશે કે આપણી સમસ્યા આપણી અંદર રહેલો અંધકાર છે. આ જ તો કારણ છે કે લાખો ને કરોડો લોકો કુંભ મેળામાં ભાગ લે છે – કારણ કે લાખો કરોડો લોકો જાણે છે કે તેઓમાં પાપ છે અને તેમને પાપ ધોઈ નાખીને શુદ્ધ થવાની જરૂર છે. વળી, પ્રાચીન પ્રાર્થસ્નાન પ્રાર્થના (અથવા પ્રતાસના) મંત્ર પણ આપણ સર્વની અંદર રહેલા પાપ અને અંધકાર વિશે વાત કરે છે. 

હું એક પાપી છું. હું પાપનું જ પરિણામ છું. પાપમાં હું ઉત્પન્ન થયો. મારો પ્રાણ પાપને આધીન છે. પાપીઓમાં હું મુખ્ય છું. હે પ્રભુ જેમના લોચન સુંદર અને કોમળ છે, મારો બચાવ કરો, હે બલિદાનના પ્રભુ.

આપણી અંદર રહેલા અંધકાર અને પાપનો વિચાર ખુબ નિરાશાજનક છે. તેના સબંધી વિચાર કરીએ એ પણ આપણને ખુબ ‘માઠી ખબર’ જેવું લાગે છે. પરંતુ એટલા જ માટે તો અંધકાર પર વિજય મેળવતા પ્રકાશ (જ્યોતિ) ની વાત આપણને એક અજબ આશા ને મોટી ઉજવણી આપી જાય છે. તેથી જ તો દિવાળી ઘણાં બધાં દીપક, મીઠાઈઓ અને ફટાકડાઓ સાથે આપણને પ્રકાશના અંધકાર પર વિજયની આશા આપે છે.

પ્રભુ ઈસુ – જગતનું અજવાળું

પ્રભુ ઈસુએ આ જ પ્રમાણે કર્યું. વેદ પુસ્તક (પવિત્ર બાઈબલ)માં સુવાર્તા પાઠ ઈસુને આ રીતે રજૂ કરે છે.

 1 જગતનો આરંભ થયા પહેલાંથી, તે શબ્દ ત્યાં હતો. તે શબ્દ દેવની સાથે હતો. તે શબ્દ દેવ હતો. 2 તે શરુંઆતમાં ત્યાં દેવની સાથે હતો. 3 તેના થી જ બધી વસ્તુઓ ઉત્પન્ન થઈ. તેના વિના કશું જ ઉત્પન્ન થયું નથી. 4 તેનામાં જીવન હતું. તે જીવન લોકો માટે પ્રકાશ હતો. 5 તે અજવાળું અંધકારમાં પ્રકાશે છે. અંધકારે પ્રકાશને જાણ્યો નથી.

યોહાન ૧:૧-૫

તમે જુઓ, દિવાળી જે આશા વ્યક્ત કરે છે તેની પરિપૂર્ણતા આ ‘શબ્દ’ જ છે. આ આશા જે ‘શબ્દ’માં છે તે ઈશ્વર તરફથી આપવામાં આવે છે, જેને આ સુવાર્તાનો લેખક સંત યોહાન થોડી વાર પછી ઈસુ ખ્રિસ્ત તરીકે ઓળખાવે છે. આ સુવાર્તા આગળ જણાવે છે કે:

 9 સાચો પ્રકાશ જગતમાં આવતો હતો. આજ ખરો પ્રકાશ છે જે બધા લોકોને પ્રકાશ આપે છે. 10 તે શબ્દ જગતમાં હતો જ. તેના દ્વારા જ જગતનું નિર્માણ થયું છે. પણ જગતે તેને ઓળખ્યો નહિ. 11 જે જગતમાં આવ્યો તે તેનું પોતાનું જ હતું. પણ તેના પોતાના લોકોએ જ તેનો સ્વીકાર કર્યો નહિ. 12 કેટલાક લોકોએ તેનો સ્વીકાર કર્યો. તેઓએ તેનામાં વિશ્વાસ કર્યો. જે લોકોએ તેનામાં વિશ્વાસ કર્યો હતો તેઓને તેણે કંઈક આપ્યું. તેણે તેઓને દેવનાં બાળકો થવાનો અધિકાર આપ્યો. 13 જેવી રીતે નાનાં બાળકો જન્મ છે તેવી રીતે આ બાળકો જન્મ્યા ન હતા. તેઓ માતાપિતાની ઈચ્છાથી કે યોજનાથી જન્મ્યા ન હતા. આ બાળકો દેવથી જન્મ્યા હતા.

યોહાન ૧:૯-૧૩

આ દર્શાવે છે કે ઈસુ કેવી રીતે ‘સર્વને અજવાળું આપવા આવ્યા’. કેટલાંક એવું માને છે કે આ તો ફક્ત ખ્રિસ્તી લોકો માટે જ છે, પરંતુ ધ્યાનથી જુઓ, આ વરદાન ‘જગત’ ના ‘સર્વલોક’ ને માટે છે, કે સઘળાં ‘ઈશ્વરના બાળકો બની શકે’. આ વરદાન દરેકને માટે છે ખાસ કરીને જેઓ તેની ઈચ્છા રાખે છે, દિવાળીની માફક તેમની અંદરના અંધકાર ઉપર પ્રકાશના વિજયનું વરદાન.

પ્રભુ ઈસુ વિશે તેમના જન્મના હજારો વર્ષો પહેલાં ભવિષ્યવાણી કરવામાં આવી હતી

પ્રભુ ઈસુ વિશે ખુબ જ અદભુત બાબત એ છે કે ધરતી પર તેમના માનવદેહ (અવતાર)માં આવવાની ભવિષ્યવાણી તેમના જન્મ પૂર્વે હજારો વર્ષો અગાઉ અને ઘણી બધી રીતે પુરાતન માનવ ઇતિહાસમાં જોવા મળે છે, તેનો ઉલ્લેખ પ્રાચીન યહૂદી ગ્રંથોમાં જોવા મળે છે. ઈસુ આ પૃથ્વી પર આવ્યા એ પેહલાં તેમનાં આવવા વિશે ઘણું બધું લખવામાં આવ્યું. ઈસુના માનવદેહ અવતરણ (અવતાર) વિશેની આગાહી પ્રાચીન ઋગ્વેદના મહાકાવ્ય જે આવનાર મહાપુરુષની પ્રસંશામાં લખાયું છે જોવા મળે છે, વળી જે પ્રારંભની માનવજાતની મુખ્ય બીનાઓ નોંધે છે, જેવી કે મનુ નો મહાપ્રલય, એ જ વ્યક્તિ જેને પવિત્ર બાઈબલ (વેદ પુસ્તક) નૂહ તરીકે ઓળખાવે છે. આ પુરાતન ઘટનાઓ માણસની અંદર રહેલા પાપને અંધકાર તરીકે દર્શાવે છે અને તેના ઉપાય તરીકે આવનારા મહાપુરુષની આશા સેવે છે, જે પ્રભુ ઈસુ જ છે.      

ઋગ્વેદમાં મહાપુરુષ સબંધી જે ભવિષ્યવાણી છે તેમાં ઈશ્વરનું એક સંપૂર્ણ પુરૂષના રૂપમાં પૃથ્વી પર અવતરણ (અવતાર) અને તેમનું બલિદાન કરવામાં આવશે એવું દર્શાવે છે. આ બલિદાન આપણા સઘળાં પાપના કર્મોની કિંમત ચુકવવા તેમ જ આપણને અંદરથી શુદ્ધ કરવા માટે પર્યાપ્ત (સંપૂર્ણ) થશે. સ્નાન અને પુજા સારા છે, પણ તે આપણને ફક્ત બહારથી જ શુદ્ધ કરવા પૂરતા મર્યાદિત છે. અંદરથી આપણને શુદ્ધ કરી શકે એ સારુ આપણને એક ઉમદા બલિદાનની જરૂર હતી.

યહૂદી શાસ્ત્રોમાં પ્રભુ ઈસુ વિશેની ભવિષ્યવાણીઓ 

ઋગ્વેદની જેમ જ યહૂદી શાસ્ત્રોમાંમાં પણ આવનાર મહાપુરુષ સબંધી ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે. યહૂદી શાસ્ત્રોમાં એક પ્રખ્યાત ઋષિ હતા, યશાયા (જેઓની હયાતી ઈસવીસન પૂવે ૭૫૦ વર્ષમાં હતી). તેમને આ આવનાર મહાપુરુષ સબંધી ઘણી અંતઃસ્ફૂરણા થઈ જે તેમણે નોંધી લીધી. તેમણે જયારે ઈસુ ખ્રિસ્તના આવવાની ઘોષણા કરી ત્યારે જાણે કે દિવાળીની અપેક્ષા કરી.

અંધકારમાં ચાલનારા લોકોએ તે મહાન પ્રકાશ જોયો છે; મૃત્યુની છાયાના પ્રદેશમાં વસવાટ કરનારાઓ પર “પ્રકાશનું તેજ” પથરાયું છે.

યશાયા ૯:૨

પણ આવું કેવી રીતે બને? તેઓ આગળ લખે છે,

 કારણ કે આપણે સારુ બાળક અવતર્યુ છે, આપણને એક પુત્રનું વરદાન આપવામાં આવ્યું છે. “તેના ખભા પર રાજ્યાધિકારની નિશાની છે. તે એક અદભુત સલાહકાર, પરાક્રમી દેવ, સનાતન પિતા અને શાંતિનો રાજકુમાર કહેવાશે.”

યશાયા ૯:૬

ઈસુ માનવદેહ (અવતાર) ધરીને પૃથ્વી પર આવ્યા તો પણ આપણાં સેવક બન્યા, આપણને સૌથી વધારે જેની જરૂરીયાત હતી તે સબંધી તેમણે આપણી સહાયતા કરી.

 4 તેમ છતાં તેણે આપણાં વીતકો પોતા પર લઇ લીધાં, આપણી બિમારીઓ પોતે વહોરી લીધી. આપણે તો એમ માન્યું કે તેને સજા થઇ છે, દેવે તેને આઘાત કરીને દુ:ખમાં નાંખ્યો છે; 5 પણ તે તો આપણે કરેલા અપરાધો માટે વિંધાયો હતો અને આપણાં પાપો માટે કચડાયો હતો. એણે ભોગવેલી સજાને કારણે આપણે સુખશાંતિ ભોગવીએ છીએ અને તેને પડેલા ચાબખાથી આપણે સાજાસમાં છીએ. 6 આપણે રસ્તો ભૂલી ગયા છીએ, અને ઘેટાંની જેમ રઝળી ગયા છે. પણ યહોવાએ આપણા બધાનો દોષ તેને માથે નાખ્યો છે.

યશાયા ૫૩:૪-૬

યશાયા પ્રભુ ઈસુના વધસ્તંભ પરના મરણનું વર્ણન કરે છે. આ ઘટના બની તેના ૭૫૦ વર્ષ પહેલાં તેમણે આ ભાખ્યું, અને આ વધસ્તંભ પરનું એમનું મરણ એ જ એ બલિદાન છે જે થકી આપણને સજાપણું મળે છે. આ એક સેવક કે ચાકરનું કામ જે માટે ઈશ્વર તેમને કહે છે

 6 “ઇસ્રાએલને મારા માટે પુન:સ્થાપિત કરવા ઉપરાંત તું વધારે કામ કરીશ, પૃથ્વીની સર્વ પ્રજાઓમાં તારણ પહોંચાડવા હું તને તેઓ માટેનો પ્રકાશ બનાવીશ.” 7 જેને લોકો ધૃણાની નજરે જુએ છે, જેનો તિરસ્કાર સર્વ પ્રજાઓ કરે છે, જે અન્યાયી શાસકોનો ગુલામ છે, તેને ઇસ્રાએલનો ઉદ્ધારક પવિત્ર દેવ કહે છે, “તને જોઇને રાજામહારાજાઓ માનપૂર્વક ઊભા થઇ જશે, અને સરદારો પગે પડશે,” એકવચની, અને તને પસંદ કરનારા ઇસ્રાએલના પવિત્ર દેવને પ્રતાપે આ થશે.

યશાયા ૪૯:૬-૭

તમે જોયું! આ તમારા માટે છે અને મારા માટે છે. આ સઘળાં લોકોને માટે છે.

સંત પાઉલનું ઉદાહરણ

હવે એક વ્યક્તિ કે જેણે પ્રભુ ઈસુનું બલિદાનનો પોતાને માટે ધરાર ઈનકાર કર્યો હોય તો તે હતા સંત પાઉલ, તેમણે ઈસુના નામનો સખ્ત વિરોધ કર્યો. પરંતુ તેમનો ભેટો જયારે પ્રભુ ઈસુ સાથે થયો તે પછી તેમણે આમ લખ્યું

 દેવે એકવાર કહ્યું હતું, “અંધકારમાં જ્યોતિ પ્રગટશે!” અને આ એ જ દેવ છે જેનો પ્રકાશ આપણા હૃદયમાં ચમકે છે. ઈસુ ખ્રિસ્તના મોં પર દેવનો જે મહિમા છે તે વિષેના જ્ઞાનનું આપણને પ્રદાન કરીને દેવે આપણને આ જ્યોતિનું અનુદાન કર્યુ છે.

૨ કરિંથીઓને પત્ર ૪:૬

સંત પાઉલને પ્રભુ ઈસુની સાથે અંગત ભેટો થયો જેથી તેમના ર્હદયમાં પ્રકાશ પ્રગટ્યો.

ઈસુના આ પ્રકાશનો અનુભવ તમારે માટે

તો અંધકાર અને પાપથી ઉદ્ધાર એટલે કે ‘મોક્ષ’ મેળવવા આપણે શું કરવું પડે, જે પ્રકાશની ભવિષ્યવાણી ઋષિ યશાયા કરી, જે પ્રભુ ઈસુએ પ્રગટાવ્યો, અને જેનો સંત પાઉલે અનુભવ કર્યો તે આપણને કેવી રીતે મળે? સંત પાઉલ આ પ્રશ્નનો ઉત્તર આપતા લખે છે કે,

 જ્યારે લોકો પાપ કરે છે, ત્યારે પાપનું વેતન-મરણ કમાય છે. પરંતુ દેવ તો આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા લોકોને અનંતજીવનની બક્ષિસ આપે છે

રોમનોને પત્ર ૬:૨૩

જુઓ, અહીં તેઓ કહે છે કે આ ‘દાન’ (ભેટ) છે. ભેટ એ છે જે તમે કમાતા નથી. તમને કોઈ ભેટ આપે છે તેનો મતલબ તમે તે કમાતા નથી સામાન્ય રીતે તેના હકદાર નથી. વળી તમને એ ભેટનો ત્યાં સુધી કોઈ જ ફાયદો નથી જ્યાં સુધી તમે તે ‘સ્વીકારતા’ નથી. આ અહીં વિસ્તારથી સમજાવ્યું છે, તેથી જ સંત યોહાન જેમને આપણે અગાઉ પણ ટાંક્યા છે, લખ્યું,

કેટલાક લોકોએ તેનો સ્વીકાર કર્યો. તેઓએ તેનામાં વિશ્વાસ કર્યો. જે લોકોએ તેનામાં વિશ્વાસ કર્યો હતો તેઓને તેણે કંઈક આપ્યું. તેણે તેઓને દેવનાં બાળકો થવાનો અધિકાર આપ્યો.

યોહાન ૧:૧૨

તમે સહજ રીતે ઈસુનો સ્વીકાર કરો. તમે ઈસુને આ ભેટ તમને આપવા માટે પણ કહી શકો છો. તમે ઈસુ પાસે વિનંતી કરી શકો છો કેમ કે તેઓ જીવંત છે. હા, આપણા પાપોને સારુ તેઓ બલિદાન થયા હતા ખરા, પરંતુ ત્રણ દિવસ પછી સજીવન થયા, જેમ ઋષિ યશાયાએ દુઃખ સહેતા સેવક વિશે વષો અગાઉ ભાખ્યું હતું કે 

 તેની બધી વેદનાઓને અંતે તે પ્રકાશ જોવા પામશે અને પરમ તૃપ્તિ અનુભવશે. પ્રભુ કહે છે, “આમ મારો નિદોર્ષ સેવક અનેકોને નીતિમાન બનાવશે, અને તેમની સજા પોતાને માથે લઇ લેશે.”

યશાયા ૫૩:૧૧

પ્રભુ ઈસુ આજે પણ જીવંત છે અને જયારે તમે તેમને વિનંતી કરો ત્યારે તમારું સાંભળે છે. તમે પ્રાર્થસ્નાન (અથવા પ્રતાસના) મંત્રની પ્રાર્થના તેમને કરી શકો, તેઓ તમારું સાંભળશે અને તમારો ઉદ્ધાર (મોક્ષ) કરશે કેમ કે તેમણે પોતાનું બલિદાન તમારે સારુ  આપ્યું છે, અને તેમની પાસે એ સત્તા અને અધિકાર પણ છે. અહીં એક ટુંકી પ્રાર્થના આપી છે જે તમે કરી શકો.

હું એક પાપી છું. હું પાપનું જ પરિણામ છું. પાપમાં હું ઉત્પન્ન થયો. મારો પ્રાણ પાપને આધીન છે. પાપીઓમાં હું મુખ્ય છું. હે પ્રભુ જેમની આંખો સુંદર અને કોમળ છે, મારો બચાવ કરો, હે બલિદાનના પ્રભુ.

અન્ય લેખો સબંધી ઈન્ટરનેટ પર અહીં તપાસ કરો. આ લેખો માનવજાતના પ્રાચીન ઇતિહાસથી શરુ કરી સંસ્કૃત અને યહૂદી શાસ્ત્રોમાંથી માણસજાતને અંધકારમાંથી છોડાવી પ્રકાશમાં લાવવાની એટલે કે ઉદ્ધાર (મોક્ષ) માટે ઈશ્વરની સનાતન યોજના અને મહાન ભેટ (વરદાન અથવા કૃપાદાન) વિશે જણાવે છે.  

આ દિવાળી પર જયારે તમે દીપ પ્રગટાવો અને ભેટોની આપ-લે કરો, ત્યારે મારી પ્રાર્થના છે કે તમે પ્રભુ ઈસુ તરફથી દિવ્ય પ્રકાશનો અનુભવ મેળવો જેમ સંત પાઉલે આ પ્રકાશનો અનુભવ કર્યો જે થકી તેમના જીવનનું બદલાણ થઈ ગયું તે જ પ્રકાશ તમને પણ આપવામાં આવે છે. તમને દિવાળીની શુભેચ્છાઓ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *