ઈસુ સઘળાં લોકના ઉદ્ધારને માટે સ્વયં બલિદાન થવા સારું આવ્યા. આ મહાન સંદેશની પુર્વછાયા પ્રાચીન ઋગ્વેદના મહાકાવ્યોમાં તેમ જ પ્રાચીન યહૂદી શાસ્ત્રોમાં વર્ણવેલ પર્વો અને પ્રતિજ્ઞાઓમાં જોવા મળે છે. ઈસુ જ એ ઉત્તર છે જે પ્રશ્ન સ્વરૂપે આપણે પ્રાર્થસ્નાનની પ્રાર્થનામાં (જેને પ્રતાસના) મંત્ર પણ કહે છે ઉચ્ચારીએ છીએ. પરંતુ આ કેવી રીતે બને? કર્મનો જે નિયમ આપણ સર્વને લાગુ પડે છે તે સબંધી પવિત્ર બાઈબલ (વેદ પુસ્તક) વાત કરે છે.
કેમ કે પાપનું વેતન મરણ છે… (રોમનોને પત્ર ૬:૨૩)
નીચે આપેલા ઉદાહરણ દ્વારા કર્મનો સિધ્ધાંત સમજીએ. “મરણ” એક પ્રકારનો વિયોગ અથવા જુદાપણું છે. જયારે પ્રાણ આપણા શરીરથી જુદો/વિયોગી થાય ત્યારે આપણે દૈહિક રીતે મરણ પામીએ છીએ. તે જ પ્રમાણે આત્મિક રીતે આપણે ઈશ્વરથી વિયોગી થઈએ એ પણ એવું જ છે. આ સત્ય છે, કેમ કે ઈશ્વર પવિત્ર (પાપરહિત) છે.

એક ટેકરી પર આપણે ઉભેલા અને બીજા પર ઈશ્વર, આપણ બંનેને વિખુટા પાડતી અગાધ ખાઈ વચ્ચે આવેલી હોય એવું નિરૂપણ થઈ શકે.
આ વિયોગ ભય અને દોષિતભાવ ઉત્પન્ન કરે છે. તેથી આપણે સ્વાભાવિક રીતે એક સેતુ બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ જે આપણને આપણી બાજુ (મરણ) થી ઈશ્વરની બાજુ લઈ જાય. આપણે બલિદાન ચઢાવીએ, પૂજા અર્ચના કરીએ, બ્રમ્હચર્યનું પાલન કરીએ, પર્વો પાળીએ, મંદિરોમાં જઈએ, પૂજા, આરતી અને પ્રાર્થના કરીએ જેથી ઘણુંખરું કરીને પાપથી બચી જઈએ. પોતાના જ પ્રયત્નોથી પુણ્ય કમાવી લેવા માટે આપણામાંના ઘણાખરાંને માટે આ યાદી કદાચ હજુ લાંબી બની શકે. જો કે સમસ્યા એ છે કે આપણાં પ્રયત્નો, પુણ્યો, બલિદાનો, વૈરાગી જીવન વગેરે આમ જોવા જતા ખોટા નથી પરંતુ અપૂરતા છે કારણ કે આપણાં પાપોનું વેતન (પરિણામ) “મરણ” છે. આ બાબત આગળના રેખાચિત્રમાં દર્શાવેલ છે.

ધાર્મિક સત્કાર્યો દ્વારા આપણે ઈશ્વર અને આપણી વચ્ચેની ખાઈ ને પુરવા અર્થાત્ સામે પાર જવા પ્રયત્ન કરીએ છીએ. આમાં કંઈ ખોટું તો નથી પણ આ આપણી સમસ્યાનું સમાધાન નથી, કારણ કે આ બાબતો આપણને સામે પાર લઈ જઈ શકતી નથી. આપણાં આ બધાં પ્રયત્નો નિરર્થક છે. આ તો એવું કહેવાય કે કકર્કરોગ (કેન્સર જે મરણ નીપજાવે) થી સાજાભલા થવા આપણે ફક્ત લીલાં શાકભાજી જ ખાઈએ. લીલાં શાકભાજી ચોક્કસ સારા છે પરંતુ કર્કરોગ મટાડવા કદી પણ પુરતા નથી. કર્કરોગ મટાડવા માટે અલગ જ સારવાર લેવી પડે. ઉપરના રેખાચિત્રમાં આ બાબત જોઈ શકાય છે કે આપણા પ્રયત્નોથી (ધાર્મિક સત્કાર્યોથી) ઈશ્વર અને આપણી વચ્ચેની ખાઈ પુરવા તો કરીએ છીએ પણ એ પુરતું નથી થતું, આપણે હજુ પણ ઈશ્વરથી વિખુટા જ છીએ.
કર્મનો નિયમ આપણી માટે ખુબ માઠાં સમાચાર છે – એટલાં માઠાં કે એ વિશે આપણે સાંભળવા પણ માંગતા નથી, તેથી આપણે આપણા જીવનોને વિવિધ પ્રવૃત્તિઓથી વ્યસ્ત કરી નાંખીએ છીએ અને એવી આશા સેવીએ છીએ કે ગમે એમ કરીને કર્મના આ વિષચક્રથી છુટી જઈએ – આ બધું ચાલતું રહે છે એટલે સુધી કે આ પરિસ્થિતિનું ભારણ આપણા પ્રાણ પર પણ હાવી થઈ જાય. પરંતુ પવિત્ર બાઈબલના વચનનો આ કર્મના સિંધ્ધાંતથી અંત નથી થતો.
કેમકે પાપનું વેતન મરણ છે પરંતુ… (રોમનોને પત્ર ૬:૨૩)
નાનો શબ્દ “પરંતુ” દર્શાવે છે કે કર્મના નિયમની દિશા હવે બદલાવાની તૈયારી જ છે, તે હવે શુભ સંદેશ – સુવાર્તા તરફ જઈ રહી છે.. કર્મનો સિધ્ધાંત હવે મોક્ષ કે નિર્વાણની તરફ વળી રહ્યો છે. તો મોક્ષનો આ શુભ સંદેશ છે શું?
કેમ કે પાપનું વેતન મરણ છે; પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે ઈશ્વરનું કૃપાદાન અનંતજીવન છે. (રોમનોને પત્ર ૬:૨૩)
સુવાર્તાનો શુભસંદેશ એ છે કે ઈસુનું બલિદાન ઈશ્વર અને આપણી વચ્ચેની ખાઈને પુરવા માટે સંપૂર્ણ છે. અમે આ જાણીએ છીએ કેમ કે મરણ બાદ ત્રીજા દિવસે ઈસુ સદેહે સજીવન થયા, એટલે કે શારીરિક પુનરૂત્થાન પામ્યા. ઘણાંખરાં લોકો આજે આ સત્ય સ્વીકારતા નથી પરંતુ ઈસુના પુનરૂત્થાનનો દાવો કેટલો સશક્ત રીતે થઈ શકે તે મહાવિદ્યાલયના એક જાહેર વ્યાખ્યાનમાં અહીં જોઈ શકો. (વિડીઓ અહીં ખોલો)
ઈસુ જ એ પુરૂષ છે જેમણે સંપૂર્ણ બલિદાન આપ્યું. ઈસુ એક માણસ હતા તેથી તે વચ્ચે આવેલી ખાઈની ઉપર સેતુ સમાન એક બાજુ જ્યાં માણસ ઉભો છે તેને સ્પર્શ કરી શકે છે, અને ઈસુ સંપૂર્ણ (પાપરહિત) હોવાથી ખાઈની બીજી બાજુ જ્યાં ઈશ્વર છે તેને પણ સ્પર્શ કરી શકે છે. આમ ઈસુ માણસ અને ઈશ્વરની વચ્ચે જીવનનો સેતુ છે જેનું ચિત્રણ નીચે જોઈ શકાય.

ઈસુનું બલિદાન આપણને કેવી રીતે આપવામાં આવ્યું છે તેની ઉપર ધ્યાન આપો. તે એક … ‘ભેટ’ સ્વરૂપે આપવામાં આવ્યું છે. ભેટ ચાહે કંઈ પણ હોય, જો એ ભેટ છે તો એટલું ચોક્કસ છે કે તમે તેના માટે કામ કર્યું નથી કે તેને કમાયા નથી. જો તમે તેને કમાઓ તો પછી તે ભેટ રહેતી નથી. એ જ પ્રમાણે આપણે આપણાં કાર્યોથી કે કોઈ રીતે પણ ઈસુના બલિદાનને કમાઈ શકતા નથી. એ આપણને કેવળ ભેટ સ્વરૂપે જ મળે છે.
અને આ ભેટ શું છે? તે છે ‘શાશ્વત/અનંત જીવન’. તેનો અર્થ એ કે પાપ જેના કારણે મરણ આવ્યું તે હવે રદબાતલ થયું છે. ઈસુનું બલિદાન એવાં સેતુ સમાન છે જે દ્વારા આપણે ઈશ્વરની સાથે ફરીથી જોડાઈ શકીએ છીએ અને જીવન પ્રાપ્ત કરી શકીએ છીએ – અનંતકાળનું/શાશ્વત જીવન. આ ભેટ આપણને ઈસુ દ્વારા આપવામાં આવી છે, જેમણે મરણમાંથી સજીવન થવા દ્વારા પોતાને ‘પ્રભુ’ તરીકે પ્રગટ કર્યા.
તો તમે અને હું આ સેતુ જે ઈસુ આપણને ભેટ રૂપે આપે છે તે ઉપરથી કેવી રીતે ‘પસાર થઈ શકીએ’? ભેટ સબંધી ફરીથી વિચાર કરો. જો કોઈ તમને ભેટ આપે છે તેનો મતલબ એ કે તમે તેના માટે કામ નથી કરતા. પરંતુ ભેટનો ફાયદો ત્યારે જ મળે જયારે તમે તેનો ‘સ્વીકાર’ કરો. જયારે પણ ભેટ આપવામાં આવે ત્યારે બે વિકલ્પ રહે છે. તમે યાં તો ભેટ નો નકાર કરી શકો છો (“ના, તમારો આભાર”) અથવા તમે તેનો સ્વીકાર કરો છો (“ભેટને માટે તમારો આભાર, હું તે લઈશ”). તે જ પ્રમાણે ઈસુ જે આ ભેટ આપે છે તેનો તમારે સ્વીકાર કરવો પડે. તેનું માત્ર ‘વિશ્વાસ,’ ‘અધ્યયન’ કે ‘સમજણ’ પૂરતા નથી. આનું નિરૂપણ આગળના રેખાચિત્રમાં જોવા મળે છે જ્યાં આપણે સેતુ પર ઈશ્વર તરફ ફરીને ચાલીએ છીએ, અને આપણને જે ભેટ મળે છે તેનો સ્વીકાર કરીએ છીએ.

તો આ ભેટને આપણે કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ? પવિત્ર બાઈબલ આમ કહેછે,
જે કોઈ પ્રભુને નામે વિનંતી કરશે તે તારણ પામશે. (રોમનોને પત્ર ૧૦:૧૨)
ધ્યાન આપો કે આ વચન ‘દરેક’ને માટે છે, કોઈ ચોક્કર ધર્મના, જાતિના, કે દેશના લોકો માટે જ છે એમ નહિ. મૃત્યુમાંથી સજીવન થવા દ્વારા ઈસુ આજે પણ જીવંત છે અને સર્વનો ‘પ્રભુ’ છે. જો તમે ઈસુને વિનંતી કરો તો તે તમારી વિનંતી સાંભળશે અને તમને પણ જીવનની ભેટ આપશે. તમારે ઈસુને વિનંતી કરવાની જરૂર છે – બસ વાતચીત કરવાની જરૂર છે. કદાચ તમે આવું પહેલા કદી પણ કર્યું નથી. ઈસુની સાથે પ્રાર્થના અને વાર્તાલાપ કરવા માટે તમને મદદરૂપ થવા સારુ અહીં એક માર્ગદર્શિકા આપી છે. આ કોઈ જાદુઈ મંત્રોચ્ચાર નથી કે અલૌકિક શક્તિ પ્રદાન કરે એવાં વિશિષ્ટ શબ્દો પણ નથી. તમને આ ભેટ આપવા માટે પ્રભુ ઈસુના સામર્થ્ય અને તેમની રાજીખુશીની ઈચ્છા પર અમારો તો પૂરો વિશ્વાસ છે. આપણે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરીશું તો તેઓ આપણું સાંભળશે અને આપણી પ્રાર્થનાનો પ્રત્યુત્તર આપશે. માટે કોઈ પણ જાતના સંકોચ વગર આ માર્ગદર્શિકાનો ઉપયોગ કરી ચાહો તો બોલીને કે મનમાં જ વાંચીને ઈસુની આ ભેટનો સ્વીકાર કરો.
વ્હાલા પ્રભુ ઈસુ. હું સમજુ છું કે મારા જીવનમાં પાપને કારણે હું ઈશ્વરથી અલગ થયો છું. મારા અથાગ પ્રયત્નો કે સ્વાર્પણ દ્વારા પણ હું આ જુદાપણાંનો ઉપાય કરી શકતો નથી. પરંતુ હું સમજુ છું કે તમારું મરણ સઘળાં પાપોને ધોઈ નાંખવા માટેનું બલિદાન હતું – મારા પાપોને માટે પણ. હું વિશ્વાસ કરું છું કે તમે બલીદાન બાદ મરણમાંથી સજીવન થયા જેથી હું જાણી શકયો કે તમારું બલિદાન સંપૂર્ણ હતું. હું તમને વિનંતી કરું છું કે મારા પાપોથી મને શુદ્ધ કરો અને મને ઈશ્વરની સાથે જોડી દો કે જેથી મને શાશ્વત જીવન પ્રાપ્ત થાય. હું પાપની ગુલામીમાં જીવન જીવવા ઈચ્છતો નથી, તેથી આ પાપ જે મને કર્મના બંધનમાં બાંધી રાખે છે તેમાંથી મને મુક્તિ આપો. પ્રભુ ઈસુ, મારા માટે આ સઘળું કરવા માટે તમારો આભાર, અને મારા જીવનમાં નિત્ય મને દોરવણી આપતા રહો જેથી તમને મારા પ્રભુ માની તમારી પાછળ ચાલી શકું.